સુરતમાં ગેરકાયદેસર ડોમ બનાવનાર સામે તવાઈ, SMCએ કતારગામ વિસ્તારમાં સીલ મારવાની કાર્યવાહી કરી શરૂ
સુરતમાં પતરાના ડોમને ગેરકાયદેસર રીતે ધમધમતા હોવાથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા પાલિકા દ્વારા પગલાં લેવાતા હોય

સુરતમાં પતરાના ડોમને ગેરકાયદેસર રીતે ધમધમતા હોવાથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા પાલિકા દ્વારા પગલાં લેવાતા હોય છે. જો કે, અધિકારીઓની રહેમનજર હેઠળ ધમધમતા ડોમને સીલ કરવા માટે કતારગામના ધારાસભ્યએ રજૂઆત અને ઠપકાને લઈને રજૂઆત કરી હતી. જેથી સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગેરકાયદેસર ડોમ બનાવીને ધંધો કરનારા શખ્સોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગેરકાયદેસર ડોમનો રાફડો
વરાછા અને કતારગામ ઝોન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચરને કારણે સુરત મહાનગર પાલિકાની તિજોરીને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચી રહ્યું છે. આ સિવાય ફાયર સેફટી સહિતના નીતિ-નિયમોને ઘોળીને પી જનારા આવા બાંધકામ વિરૂદ્ધ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. છાશવારે આ સંદર્ભે ફરિયાદો અને રજૂઆતોને પગલે દેખાડા પૂરતી કાર્યવાહી કરીને ઝોન દ્વારા સંતોષ માનવામાં આવે છે. બે-ત્રણ મહિના બાદ સ્થિતિ રાબેતા મુજબ થઈ જવા પામતી હોય છે.
સીલીંગની કામગીરી શરૂ
ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચર તેમજ ભંગારની દુકાનોને ફરિયાદ બાદ પણ દૂર ન કરવાના કિસ્સામાં અધિકારીઓ જે જવાબ આપ્યો હતો, તેની સામે રોષ જોવા મળ્યો હતો. લોકોને ઘરમાંથી સામાન બહાર કાઢવાની તક પણ અપાતા નથી અને ગેરકાયદેસર રહેણાંક વિસ્તારોમાં તાણી દેવાયેલ ભંગારના ગોડાઉનો માટે નોટીસ આપવાની શું જરૂર છે? ધારાસભ્ય મોરડિયાએ ઝોન તરફથી લેખિત પ્રશ્નના ખોટા જવાબો અપાતા હોવાના મુદ્દે પણ ઉગ્ર વલણ દાખવ્યું હતું. આજે સવારથી જ અધિકારીઓની ટીમ સીલિંગ માટે કામગીરી કરતી દેખાઈ હતી.








