મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વિદ્યાર્થીઓને અપાતા સ્પોર્ટસ યુનિફોર્મ સામે ઉઠ્યાં સવાલ, ATIRAની લેબમાં કાપડનું ટેસ્ટિંગ ફેઈલ થતાં ફરિયાદ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડ્રેસ આપવામાં આવ્યા

સુરતમાં વિદ્યાર્થીઓને અપાતા સ્પોર્ટસ યુનિફોર્મ સામે ઉઠ્યાં સવાલ, ATIRAની લેબમાં કાપડનું ટેસ્ટિંગ ફેઈલ થતાં ફરિયાદ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડ્રેસ આપવામાં આવ્યા છે. જે સ્પોર્ટ્સ ડ્રેસ વિવાદમાં આવ્યા છે. સ્પોર્ટ્સ ડ્રેસના ટી-શર્ટ અને પેન્ટની ગુણવત્તાને લઈને ATIRAની લેબમાં કાપડનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, યુનિફોર્મમાં બસ્ટિંગ સ્ટ્રેન્થ નિર્ધારિત માત્રામાં નથી, એટલે કે ઓછી છે. આ મામલે તપાસ કરવા મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વાપી-શામળાજી હાઈવે પર માંડવી નજીક ઉગ્ર ચક્કાજામ, ઝંખવાવનો રસ્તો ખખડધજ થતાં લોકો બેઠા રોડ પર

346ની જગ્યાએ 165 પીએસઆઈ

અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશનની લેબ રિપોર્ટ અનુસાર, આ યુનિફોર્મ વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી. ટી-શર્ટની બસ્ટિંગ સ્ટ્રેન્થ 346 પીએસઆઈ હોવી જોઈએ હતી, પરંતુ પરીક્ષણમાં માત્ર 258 પીએસઆઈ જોવા મળી. એટલું જ નહીં, ટ્રેક પેન્ટની બસ્ટિંગ સ્ટ્રેન્થ 456 પીએસઆઈ હોવી જોઈએ હતી, પરંતુ લેબ ટેસ્ટમાં માત્ર 165 પીએસઆઈ જ જોવા મળી. 22 કરોડના ખર્ચે 1.92 લાખ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ યુનિફોર્મ અને બુટ માટે લુધિયાણાની કંપનીને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ ગુણવત્તામાં નબળો

સેમ્પલ પરીક્ષણ કરાવનાર આશિષભાઈ તારાપરાએ કહ્યું કે, અગાઉ પણ ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળો કરાયો હતો. અમે વિજિલન્સને પણ જાણ કરી હતી. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવામાં આવ્યા, ત્યારે અમે તેનો સેમ્પલ કેન્દ્ર સરકાર હેઠળ આવતી લેબમાં ટેસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં રિપોર્ટ નિર્ધારિત ગુણવત્તા કરતાં ઓછો આવ્યો છે. આ અંગે અમે સુરત મહાનગરપાલિકામાં તપાસ માટે અરજી કરી છે. આવનારા દિવસોમાં આ અંગે અમે વિજિલન્સને પણ જાણ કરશું. 23 જાન્યુઆરીએ અમે સેમ્પલ આપ્યા હતા. આ ટેસ્ટિંગ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન હેઠળ કરાવ્યું છે.    

આ સમાચાર શેર કરો