સુરતમાં પાલિકાની બેદરકારીએ માસૂમનો લીધો ભોગ, રમતાં બાળકો પર ગટરનું ઢાંકણું પડતાં 5 વર્ષની બાળકીનું મોત
સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીની સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ ચોમાસું પૂર્ણ થતાં જ

સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીની સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ ચોમાસું પૂર્ણ થતાં જ ફરી એકવાર ગટર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગટરની કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં રાખવામાં આવ્યાં હતાં. જેથી એક ગંભીર ઘટના સર્જાઈ હતી. જેમાં રમતાં બાળકો પર ગટરના ઢાંકણું પડતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું.
માથાના ભાગે ઢાંકણું પડ્યું
ડિંડોલીના ચેતન નગરમાં પાંચ વર્ષીય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું હતું. ચેતન નગરમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતાં. જ્યાં બાળકો રમી રહ્યા હતાં. રમતાં રમતાં એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડ્યું હતું. જેમાં બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નીપજ્યું હતું.
શ્રમિક પરિવારે દીકરી ગુમાવી
ઘટનાની જાણ થતા જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. હાલ ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગુમાવી હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું.








