નાસીરનગર ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય, અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવાનો કર્યો ઇનકાર

સુરતના નાસીરનગર ખાતે હાથ ઘરાયેલા ભૂતિયા ડિમોલેશન બાદ ઘરવિહોણા બનેલા પીડિત પરિવારોના પુનર્વસન મામલે સ્થાનિક તંત્રએ સંવેદનહીન વલણ અપનાવ્યું છે. પાલિકાના એફોરડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્તમાં સ્પષ્ટ જણાવાયું છે કે સાર્વજનિક જગ્યાઓ પરથી દબાણ હટાવવાના કિસ્સામાં અસરગ્રસ્તોને બદલામાં અન્ય આવાસ ફાળવવાની કોઈ સ્પષ્ટ નીતિ અમલમાં નથી.
શાસકોએ દરખાસ્તને મંજૂરી આપી, સામાન્ય સભાના ટેબલ પર મુકાશે મુદ્દો
આશ્ચર્યજનક રીતે, શાસકોએ પણ આ દરખાસ્તને સર્વાનુમતીથી લીલી ઝંડી આપી દીધી છે, જેને હવે છેલ્લી મંજૂરી અર્થે સામાન્ય સભાના ટેબલ પર મૂકવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી ખુલ્લા આકાશ નીચે દિવસો વિતાવતા ગરીબ પરિવારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુરત મહાનગરપાલિકાનો આ નિર્ણય આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કાયદાકીય સુનાવણી દરમિયાન અત્યંત સંવેદનશીલ અને નિર્ણાયક પાસું સાબિત થશે.
પ્રસ્તાવ ઉતાવળે મંજૂર કરી દેવાયો: કોંગ્રેસ
બીજી તરફ, સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણય સામે કોંગ્રેસ નેતાએ તીખી પ્રતિક્રિયા આપતાં શાસકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અસલમ સાયકલવાલા જણાવ્યું હતું કે, કાયદાકીય જોગવાઈઓ અને જમીની સ્થિતિની સમીક્ષા કર્યા વિના જ આ પ્રસ્તાવ ઉતાવળે મંજૂર કરી દેવાયો છે. વહીવટી અધિકારીઓ અને શાસકોની આ મિલીભગત પાછળ પોતાના માનીતા બિલ્ડરો તેમજ ભ્રષ્ટ તત્વોના હિતોનું રક્ષણ કરવાનો છુપો ઈરાદો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
ભૂતકાળના કાયદાકીય સંદર્ભો યાદ કરાવ્યા
વધુમાં કોંગ્રેસ નેતાએ ભૂતકાળના કાયદાકીય સંદર્ભો ટાંક્યા હતા. તેમણે યાદ અપાવ્યું હતું કે, વર્ષ 1975થી 1995 દરમિયાન જૂના રિંગરોડના વિસ્તરણ સમયે અસરગ્રસ્ત ઝૂંપડપટ્ટીના રહીશોને જમીનના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વર્ષ 2007ની સ્લમ કમિટીના ઠરાવ ક્રમાંક 1838 મુજબ દબાણકર્તાઓને EWS યોજના હેઠળ મકાન આપવાની સિસ્ટમ અમલમાં હતી. હાલના કમિશનરે રજૂ કરેલી દરખાસ્તમાં પણ આ ઠરાવનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પાલિકા તંત્ર 'પોલિસીના અભાવ'નું બહાનું ધરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સરકારી યોજના હેઠળ આવાસ આપવાની તૈયારી દર્શાવ્યા બાદ હવે છેલ્લી ઘડીએ યુ-ટર્ન લઈને તંત્ર પોતાની જ ભૂતકાળની નીતિઓ અને કાનૂની જોગવાઈઓની ખુલ્લેઆમ અવગણના કરી રહ્યું છે.
વૈકલ્પિક રહેઠાણ આપવાનો તંત્રએ સાફ ઈનકાર કરી દીધો હોવા છતાં, પીડિત પરિવારો અને સ્થાનિક આગેવાનોએ ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને કાયદાકીય લડત ચાલુ રાખવાની મક્કમતા દર્શાવી છે. હાલ તો પાલિકાની આગામી સામાન્ય સભામાં આ વિવાદાસ્પદ પ્રસ્તાવ રજૂ થયા બાદ હાઇકોર્ટમાં આ મામલે કેવા પ્રકારના કાનૂની વળાંક આવે છે, તેના પર સમગ્ર શહેરની નજર મંડાયેલી છે.
26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
મહત્વનું છે કે સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે.














