Video: નસવાડીના ખાપરીયામાં શોષ ખાડાની કામગીરી સામે વિરોધ, હલકી ગુણવત્તાના મટીરિયલના આક્ષેપ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરીયા ગામે શોષ ખાડા બનાવવાની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. તાલુકા પંચાયત દ્વારા હેડપંપ અને બોરના દૂષિત પાણીના નિકાલ માટે એક શોષ ખાડા પાછળ 36 હજાર રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જોકે ખાપરીયા ગામે શોષ ખાડાના બાંધકામમાં નિયમ મુજબ પાયો ન ખોદાયો હોવા ઉપરાંત હલકી ગુણવત્તાની રેતી, સિમેન્ટ, કપચી અને ઈંટો વપરાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ બાંધકામમાં વપરાયેલું મટીરિયલ હાથથી ઉખેડી બતાવી તકલાદી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. નસવાડી તાલુકામાં 40 લાખથી વધુના ખર્ચે બની રહેલા શોષ ખાડાઓની કામગીરીની તપાસ તાલુકા વિકાસ અધિકારી કરે તેવી માંગ ઉઠી છે. જો યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય તો તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવો કરી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.






