Video: વડોદરામાં આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ઝડપાયા

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં જંગી નફાની લાલચ આપીને કરોડોની છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ટોળકીના ચાર સ્થાનિક સાગરીતોની ધરપકડ કરી છે. આરોપીઓએ એક વ્યક્તિને મોટા વળતરની લાલચ આપી તબક્કાવાર દોઢ કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને વિશ્વાસ જીતવા શરૂઆતમાં માત્ર 5 લાખ 24 હજાર રૂપિયા પરત આપ્યા હતા. પોલીસ તપાસમાં કરણ ભાષાની, આર્યન પંચાલ, સુબોધ શર્મા અને સર્વેશ પાટીલની સંડોવણી સામે આવી છે. આરોપીઓ સિમકાર્ડ એક્ટિવ કરાવી ઓટીપીના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા અને એક સિમકાર્ડ પાછળ 1200 રૂપિયાનું કમિશન મેળવતા હતા. પોલીસે 360થી વધુ સિમકાર્ડ કબજે કર્યા છે, જેની સાથે 87થી વધુ સાયબર ઠગાઈની ફરિયાદો જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર નેટવર્કના તાર હોંગકોંગ, મલેશિયા, ચીન અને અમેરિકા સુધી જોડાયેલા હોવાનું સામે આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






