જજના ઘર પર હુમલો કરી પરિવારની હત્યાના પ્રયાસમાં ત્રણ આરોપીઓને સજા

જજના ઘર પર હુમલો કરી પરિવારની હત્યાના પ્રયાસમાં ત્રણ આરોપીઓને સજા
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં જજના પરિવાર પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓને સજા ફટકારી છે. કોર્ટે એક આરોપીને 10 વર્ષની સખત કેદ જ્યારે અન્ય બે આરોપીઓને બે-બે વર્ષની સજા ફટકારી છે.

આ સમગ્ર મામલો વર્ષ 2021નો છે. ફરિયાદી જજના ભાઈને સિટી સિવિલ કોર્ટમાંથી સ્ટે મળ્યો હતો. આ બાબતની અદાવત રાખીને આરોપીઓએ જજના પરિવાર પર હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું.

જાહેરાત

મળતી માહિતી મુજબ, દરિયાપુર વિસ્તારમાં રહેતા જજના પરિવારના પાડોશમાં આરોપીઓના પરિવારજનો રહેતા હતા. જજના ભાઈએ જુલાઈ 2020માં હુબલી એપાર્ટમેન્ટની નીચે આવેલી ત્રણ દુકાનો ખરીદી હતી. આ દુકાનોની બાજુમાં આરોપી ઇકબાલભાઈ કઠિયારાની દુકાન હતી. દુકાનોના મુદ્દે બંને પક્ષો વચ્ચે વિવાદ અને તકરાર ચાલી રહી હતી.

આ વિવાદમાં જજના ભાઈએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને તેમને સ્ટે મળ્યો હતો. આ બાબતની અદાવત રાખીને ગત 4 મે, 2021ના રોજ આરોપીઓ સહિત આશરે 10 જેટલા લોકો જજના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ છરી, હથોડી અને પાઈપ સહિતનાં હથિયારો વડે પરિવાર પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ કેસમાં સાક્ષીઓની જુબાની અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. સેશન્સ કોર્ટે એક આરોપી મહંમદ ઉવેશરાજ ઉર્ફે આવેશ ઇકબાલહુસેન કઠિયારાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે ઇરશાદ ઇકબાલહુસેન કઠિયારા અને મુસ્તાક ચાંદભાઈ કઠિયારાને બે-બે વર્ષની સજા ફટકારી છે.

આમ, જજના પરિવાર પર થયેલા હુમલાના પાંચ વર્ષ બાદ ત્રણેય આરોપીઓને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત