Video: ‘SIR કોઈનો વોટ નહીં છીનવે, ઘૂસણખોરોને બચાવવાનું બંધ કરો!’: સુરતથી રાહુલ ગાંધી પર કેન્દ્રીય મંત્રીનો સણસણતો વાર

સોર્સ: gstv

મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ સામે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સુરત ખાતેથી આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે SIR પ્રક્રિયાનો હેતુ કોઈના મતાધિકાર છીનવવાનો નથી, પરંતુ દેશના દરેક સાચા અને લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું રહે તેની ખાતરી કરવાનો છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વોટબેંક ખાતર ઘૂસણખોરોને રક્ષણ આપવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

સુરતમાં પત્રકારો સાથે વાતચીતમાં નિત્યાનંદ રાયે જણાવ્યું કે, "SIRનો ઉદ્દેશ્ય કોઈને મતાધિકારથી વંચિત કરવાનો નથી, પરંતુ ભારતના તમામ પાત્ર નાગરિકો, જેઓ મતદાર યાદીમાં સામેલ થવા માટે હકદાર છે, તેમની નોંધણી સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ આ સુધારા પ્રક્રિયાનો વિરોધ કરવાના બહાને કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધી ઘૂસણખોરોને ટેકો, સહાય અને રક્ષણ પૂરું પાડીને બહુ મોટી ભૂલ કરી રહ્યા છે."

જાહેરાત

‘ઘૂસણખોરોને દેશના સંસાધનો ખાવા નહીં દઈએ’

વિદેશી ઘૂસણખોરી સામે કડક ચેતવણી આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "ભારત અને ભાજપ હવે વિદેશી ઘૂસણખોરોને દેશમાં ગેરકાયદેસર રીતે રહેવા અને ભારતના સંસાધનો હડપવાની બિલકુલ પરવાનગી આપશે નહીં. વિપક્ષની તુષ્ટિકરણની રાજનીતિને કારણે દેશે વારંવાર મોટું નુકસાન વેઠવું પડ્યું છે."

‘લોકશાહીની હત્યા કરનારી કોંગ્રેસ ભાષણ ન આપે’

કોંગ્રેસના લોકશાહી બચાવવાના દાવાઓ પર આકરા પ્રહારો કરતાં નિત્યાનંદ રાયે ઉમેર્યું કે, "જે કોંગ્રેસે દેશમાં કટોકટી (ઇમરજન્સી) લાદીને લોકશાહીને ખતમ કરવામાં કોઈ કસર છોડી નહોતી, તે આજે આપણને લોકશાહીના પાઠ ભણાવી રહી છે! આ એ જ કોંગ્રેસ છે જેને ભારતના બંધારણમાં કોઈ જ વિશ્વાસ નથી અને તે અવારનવાર બંધારણની મજાક ઉડાવતી રહી છે."

આ સમાચાર શેર કરો

જાહેરાત