સુરતમાં ફરી માનવતા શર્મસાર, નવજાત ભૃણ મળી આવતાં લોકોએ વરસાવી ફીટકાર
10 દિવસ અગાઉ યુટ્યુબના આધારે એક કિશોરીએ જાતે ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારે ફરીએકવાર માનવ

10 દિવસ અગાઉ યુટ્યુબના આધારે એક કિશોરીએ જાતે ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારે ફરીએકવાર માનવતા શર્મસાર કરતાં કિસ્સા સમાન નવજાત ભૃણ મળી આવ્યું હતું. સુરતના પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળભ્રૂણ મળ્યું છે. આ કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં આઘાત ફેલાયો હતો. વડોદ ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ મળતાં સ્થાનિકોએ તરત જ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પાંડેસરા પોલીસના મતે આ ભૃણ તાજું જન્મેલું હતું અને બેદરકારીપૂર્વક ત્યાં ફેંકવામાં આવ્યું હોવાની શંકા છે.
આ પણ વાંચોઃ 'મારો દીકરો પરત લાવો' કહી સુરતમાં માતા ખાડીમાં કુદી ગઈ, વર્ષ અગાઉ પુત્રનું થયું હતું મોત
રહીશોમાં રોષ
બાળભ્રૂણને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની વધુ તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું કે ભૃણ કેટલા દિવસનું હતું અને એનો સ્ત્રોત શું છે એ તપાસવામાં આવશે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. 'આવું કૃત્ય શરમજનક છે, નિર્દોષ બાળભૃણને આ રીતે ફેંકી દેવું અમાનવીય છે, એમ એક રહેવાસીએ જણાવ્યું હતું.
સીસીટીવીના આધારે તપાસ
પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બાળકના ભૃણને અહીં કોણ ફેંકી ગયું એ શોધવા માટે સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવી રહ્યાં છે તેમજ નજીકના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.








