VIDEO: Suratમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, કોલેજમાં પાણી ઘુસતા વિદ્યાર્થીઓને અપાઈ રજા
સુરતમાં આજે પડેલા વરસાદમાં કતારગામ ઝોનના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ પાણીનો નિકાલ કલાકો સુધી ન થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં વરસાદની આગાહી સાથે સવારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદમાં પાલિકાના કતારગામ ઝોનની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. જહાંગીરપુરામાં સ્વામી વિવેકાનંદ કોલેજમાં પાણી ફરી વળ્યા હતાં.પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને રજા અપાઈ હતી.
કલાકો સુધી પાણીનો ભરાવો
જોકે, આજે પડેલા વરસાદમાં ફરી વાર કતારગામ ઝોનના અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણીનો ભરાવો થઈ ગયો હતો. કતારગામ ઝોનમાં બાપા સીતારામ ચોક, સિંગણપોર ચાર રસ્તા અને આંબા તલાવડી વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ પાણીનો નિકાલ કલાકો સુધી ન થતાં લોકોને નોકરી ધંધે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરના અન્ય કેટલાક વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થયો હોવાની ફરિયાદ બહાર આવી રહી છે.
પ્રિ-મોન્સૂન કામગીરીનો ખર્ચ પાણીમાં
સુરત પાલિકા પ્રિમોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે તેમ છતાં આટલા વરસાદમાં પણ પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી અને સામાન્ય વરસાદમાં પાણીનો નિકાલ ન કરી શકતા પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ સુરતીઓ માટે ફરી એક વખત વિલન સાબિત થઈ છે. લાંબો સમય સુધી પાણીનો ભરાવો થતાં લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

