Surat/ હવાઈ કાર્ગો મારફતે વિદેશમાં નશાકારક દવા મોકલતા શખ્સની ATS દ્વારા ધરપકડ, કરોડોનું ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું
ગુજરાત એટીએસ (ATS) એ સુરતમાં એક મોટી કાર્યવાહી કરતા હવાઈ કાર્ગો દ્વારા વિદેશમાં નશાકારક દવાઓ મોકલવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સુરતના નિકુંજ ગઢિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે ફાર્મસી દવાના સેમ્પલના નામે થાઈલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં નશાકારક દવાઓનો જથ્થો મોકલતો હતો.
ખોટી જાહેરાત કરી આંતરરાષ્ટ્રીય કાર્ટેલને સપ્લાય
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિકુંજ ગઢિયા ખોટી જાહેરાતો આપીને થાઈલેન્ડ અને મલેશિયાના ડ્રગ કાર્ટેલ સાથે સંપર્કમાં હતો. તે ફાર્મસી દવાઓના સેમ્પલ હોવાનું જણાવીને આ દવાઓ એર કાર્ગો દ્વારા રવાના કરતો હતો. એટીએસ દ્વારા તેની પાસેથી 4 કિલોથી વધુ દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો દવાની કિંમત આશરે 4 થી 5 હજાર ડોલર જેટલી થવા જાય છે.
થાઈલેન્ડમાં 14 કિલો જથ્થો સીઝ કરાવ્યો
એટીએસની સતર્કતાને કારણે માત્ર સુરત જ નહીં, પરંતુ વિદેશમાં પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસ દ્વારા થાઈલેન્ડમાં મોકલાયેલો અંદાજે 14 કિલો જેટલો જથ્થો ત્યાંની એજન્સીઓ સાથે સંકલન સાધીને સીઝ કરાવવામાં આવ્યો છે. આ દવાનો ઉપયોગ મલેશિયા અને થાઈલેન્ડમાં નશા માટે કરવામાં આવતો હતો.
મહત્ત્વનું છે કે, આ ચોક્કસ દવા પર ભારતમાં હાલમાં કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તેની નિકાસ (Export) કરવા માટે સરકારની પૂર્વ પરવાનગી લેવી અનિવાર્ય છે. આરોપી પાસે આવી કોઈ પરવાનગી નહોતી. બીજી તરફ, થાઈલેન્ડમાં આ દવાનું ખરીદ-વેચાણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
કોર્ટ કાર્યવાહી અને તપાસ
આ કેસમાં બચાવ પક્ષના વકીલ કેતન રેશમવાલાએ પોતાની દલીલો રજૂ કરી હતી. જોકે, એટીએસ દ્વારા આરોપીની ધરપકડ કરી આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ દવાનું ઉત્પાદન ક્યાં થતું હતું તે દિશામાં ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

