Surat/ અફઘાન નાગરિકે બનાવ્યા નકલી 'ભારતીય દસ્તાવેજો'! Surat માં કરતો હતો કાપડનો ધંધો

સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગંભીર ગુનો નોંધાયો છે. આ આરોપી પર નકલી દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકતા સ્થાપિત કરવાનો અને મહત્ત્વના સરકારી દસ્તાવેજો મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
નકલી દસ્તાવેજોનું મોટું કૌભાંડ
આરોપીની ઓળખ મોહમદ આમીર જાવીદ ખાન તરીકે થઈ છે, જે મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે અને હાલમાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ મલ્બાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે.
આરોપીએ ભારતીય નાગરિકતા સ્થાપિત કરવાના ઇરાદાથી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતું. આ નકલી પ્રમાણપત્રના આધારે તેણે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવ્યા હતા.
શ્રમ અધિકારીની કાર્યવાહીથી પર્દાફાશ
મોહમદ આમીર જાવીદ ખાન અગાઉ યુ.એન. રેફ્યુઝી એજન્સી ઇન્ડિયા (UNHCR) માંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને વસવાટ કરતો હતો. પરંતુ ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.
શ્રમ અધિકારી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને તપાસ બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે હવે આરોપી મોહમદ આમીર વિરુદ્ધ ગંભીર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી
સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક સામે ગંભીર ગુનો દાખલ થતાં શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પર નકલી જન્મ પ્રમાણપત્ર બનાવીને તેના આધારે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્ત્વના સરકારી દસ્તાવેજો મેળવવાનો આરોપ છે.
નકલી દસ્તાવેજોથી વિદેશ પ્રવાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ભારતીય નાગરિકતા સ્થાપિત કરવાના ઇરાદાથી બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા અને તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપી મોહમદ આમીરે આ ભારતીય પાસપોર્ટના આધારે યુએઈ અને અફઘાનિસ્તાન જઈને આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, જે સુરક્ષા એજન્સીઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
સુરતમાં કાપડનો ધંધો કરતો હતો
મોહમદ આમીર એક વર્ષ પહેલાં પરિવાર સાથે સુરત આવ્યો હતો અને અહીં કાપડનો ધંધો કરતો હતો. તે હોલસેલ માર્કેટમાંથી કાપડ લઈ અલગ-અલગ રાજ્યોમાં વેચતો હતો. જોકે, આરોપી સુરતમાં શા માટે રહેવા આવ્યો અને તેણે પોતાના બોગસ ડોક્યુમેન્ટ મહારાષ્ટ્રમાંથી કઈ રીતે બનાવ્યા, તે અંગેની તપાસ ચાલી રહી છે.
આરોપી અને સાગરીત સામે ગુનો દાખલ
આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમદ આમીર જાવીદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય પાસપોર્ટ એક્ટ-1967ની કલમ 12(1) મુજબ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વોન્ટેડ સાગરીત અગજાનને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

