Surat News: 6 મહિનામાં 89 એકાઉન્ટ ખોલી 1455 કરોડના વ્યવહાર, ફ્રોડ આચરતી બેંક કર્મચારી સહિતની ગેંગ દબોચાઈ

સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ખોલાવી કીટ અને સીમકાર્ડ મોકલવાના રેકેટમાં આરબીએલ બૅન્કના 89 એકાઉન્ટમાં 1455 કરોડના નાણાંકીય વ્યવહારો માત્ર છ મહિનાના સમયગાળામાં થયા હતા. આ એકાઉન્ટ ખોલાવવામાં બૅન્કના અધિકારીઓ અને ત્રણ બ્રાન્ચ-વેસુ, સહારા દરવાજા અને વરાછાના કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી. જેની તપાસ કરી રહેલી ઉધના પોલીસની સીટે આરબીએલ બૅન્કના એરીયા હેડ, ઓપરેશન હેડ, મહિલા કર્મચારી સહિત કુલ આઠ કર્મચારીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કૌભાંડ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉધના પોલીસને વાહનચેકિંગ દરમિયાન મોપેડ પર મળેલા રોનક સંદિપ સુદાણીની ડીકીમાંથી અલગ-અલગ નામવાળા પાનકાર્ડ અને પ્રોપરાઇટરના સ્ટેમ્પ મળી આવ્યા હતા. તેની તપાસ કરાતાં સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ખોલાવી કીટ અને સિમકાર્ડ મોકલવાનું રેકેટ પકડાયું હતું. પૂછપરછના આધારે ઉધના પોલીસે બાદમાં કિરાત જાદવણ અને મીત ખોખારને 7 મોબાઇલ ફોન, 21 ડેબિટ કાર્ડ, 30 ચેકબુક, 3.84 લાખ રોકડ, કોમ્પ્યુટર, લેપટોપ, નોટ ગણવાનું મશીન, સ્ટેશનરી કટર મશીન વગેરે મળી કુલ રૂ. 7.02 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
નવ મહિનાથી એકાઉન્ટ ખોલાવ્યા
આ મામલે પોલીસ પૂછપરછમાં સારોલી રાજ ટેક્ષટાઇલ ટાવરમાં ઑફિસ ધરાવતા કિરાત અને તેની સાથેના મીતે કબૂલાત કરી હતી કે, તેઓ છેલ્લા નવ મહિનાથી અલગ-અલગ એકાઉન્ટ ધારકોને લાલચ આપી વિવિધ બૅન્કમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા. બાદમાં તેમના નવા એકાઉન્ટની કીટ અને તેના એકાઉન્ટમાં રજિસ્ટર્ડ કરાવેલા મોબાઇલ નંબરનું સિમકાર્ડ લઈ લેતા હતા. ત્યારબાદ તેઓ તે કીટ અને સિમકાર્ડ દિવ્યેશ ચક્રાણી સાથે મળી દિલ્હીના વિનીત પ્રસાદને મોકલી આપતા હતા. ત્યાંથી તેને સાયબર ફ્રોડ કરનારાઓને પહોંચાડતા હતા. જોકે, બાદમાં પોલીસની તપાસમાં આ કૌભાંડ 2000 કરોડથી વધુનું હોવાનો પણ ખુલાસો થયો હતો.
છ મહિનામાં અધધ વ્યવહાર
ઉધના પોલીસે આ રેકેટની વધુ તપાસ કરતા ખુલાસો થયો હતો કે, અલગ-અલગ બૅન્કોના 165 એકાઉન્ટ પૈકી આરબીએલ બૅન્કના 89 એકાઉન્ટમાં માત્ર છ મહિનાના સમયગાળામાં 1455 કરોડના નાણાંકીય વ્યવહારો થયા હતા. જેથી તપાસ કરી રહેલી ઉધના પોલીસની સીટે બૅન્કના કર્મચારીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, બૅન્કના એરિયા હેડ અમીત કુમાર ગુપ્તા, ઓપરેશન હેડ અરુણ ઘોઘારી અને વેસુ, સહારા દરવાજા અને વરાછા બ્રાન્ચના કેટલાક કર્મચારીઓએ પૈસા લઈ રેકેટ ચલાવનારાઓની સાથે મળી સામાન્ય વ્યક્તિના નામે બૅન્ક એકાઉન્ટ ખોલી તેમાં જંગી નાણાંકીય વ્યવહારો કર્યા હતા, તેના આધારે પોલીસે આજરોજ આરબીએલ બૅન્કના એરિયા હેડ, ઓપરેશન હેડ, મહિલા કર્મચારી સહિત કુલ આઠ કર્મચારીની ધરપકડ કરી હતી.

