સુરતમાં હનુમાન જયંતિએ જ અંગદાન, યુવકના હાથ, હ્રદય અને લિવર જરૂરિયાતમંદ માટે બન્યા 'સંકટમોચક'
અંગદાનમાં અગ્રેસર એવા સુરતથી વધુ એક અંગદાનની ઘટના સામે આવી છે. હનુમાન જયંતિના દિવસે જ યુવકના અંગોના

અંગદાનમાં અગ્રેસર એવા સુરતથી વધુ એક અંગદાનની ઘટના સામે આવી છે. હનુમાન જયંતિના દિવસે જ યુવકના અંગોના દાન થયા છે. જેથી આ અંગો જરૂરિયાતમંદ માટે સંકટમોચક સમાન સાબિત થયા છે. વેલંજા વિસ્તારમાં રહેતા યુવકનું વ્યારા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં સારવાર દરમિયાન રત્નકલાકાર બ્રેનડેડ જાહેર કરાયા બાદ અંગદાન કરવાાં આવ્યું હતું.
19મીએ અકસ્માત નડ્યો હતો
અમરેલીના કુકાવાવના જંગર ગામના વતની અને વેલંજા રહેતા નવનીત નાથાભાઈ વસાણીની ગત 19મીએ બાઈકને અકસ્માત નડ્યો હતો. જેથી વ્યારાની સિવિલથી સુરત સિવિલ બાદ પી.પી.માણીયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં બ્રેનડેડ જાહેર કર્યા હતા. હોસ્પિટલના ચેરમેન ડો. નિલેશ માણીયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવીયાને કરી હતી.
અંગો 3 દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ
પરિવારની સંમતિ બાદ સોટો અને નોટોમાં જાણ કરતા 3 ગ્રીન કોરિડોરથી સોટો દ્વારા હૃદય અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલને, IKDRCને લીવર અને નોટો દ્વારા બન્ને હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ ખાતે 19 વર્ષીય યુવકને ફાળવ્યા હતા. તમામ અંગોનું 3 દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.








