સુરત/ રસ્તા પર દોડતી CNG રિક્ષામાં આગ ભભૂકી ઉઠી, આગની જ્વાળામાં સાયકલ પણ ખાક
સુરતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વેડરોડ વિસ્તારમાં રસ્તા પ

સુરતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વેડરોડ વિસ્તારમાં રસ્તા પર દોડતી એક સીએનજી રિક્ષામાં આગ લાગી ગઈ હતી. મુસાફરો ભરેલી રિક્ષામાં આગ લાગ્યાની જાણ થતાં જ તમામને નીચે સલામત રીતે ઉતારી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક થયેલી સાયકલ પણ બળીને ખાક થઈ ગઈ હતી.
મુસાફરોને નીચે ઉતારી દેવાયા
વેડરોડ વિસ્તારમાં રસ્તા પર દોડતી ચાલુ સીએનજી રિક્ષામાં આગ લાગી ગઈ હતી. પ્રાથમિક તબક્કે ધુમાડા નીકળતાં હોવાની જાણ રિક્ષાચાલકને થઈ હતી. જેથી તેણે તાત્કાલિક રિક્ષાને થંભાવી દીધી હતી. બાદમાં રિક્ષામાં સવાર મુસાફરોને નીચે ઉતારી દીધા હતાં. મુસાફરોની સાથે રિક્ષાચાલક નીચે ઉતરીને થોડે દૂર ગયો ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
પ્રચંડ આગે સાયકલને ઝપેટમાં લીધી
ઉંચે સુધી આગની જ્વાળાઓ જતી હતી. જેથી રસ્તા પર નીકળતાં અન્ય વાહનો પણ થંભી ગયાં હતાં. જેના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. રિક્ષામાં લાગેલી આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે, પાર્ક થયેલી સાયકલનું પાછળનું ટાયર પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ લાગ્યાની જાણકારી ફાયરબ્રિગેડને મળી હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સમગ્ર આગમાં કોઈ ઈજા જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.








