કેનેડામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ડોલરમાં ફી ભરવાના નામે ભેજાબાજે કર્યું આવું..
આજકાલ વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવાનું ઘેલું લાગ્યું છે. ત્યારે કેને

આજકાલ વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવાનું ઘેલું લાગ્યું છે. ત્યારે કેનેડામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી ડોલરમાં ભરવાની હોય છે. આ વિદ્યાર્થીઓની ફી ડોલરમાં ભરી આપવાનું કામ કરનારે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપિંડી કરી હતી. સિફ્તપૂર્વક કરાયેલી સાત વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી હતી.
24 લાખ પડાવી લીધા
મોટા વરાછા સબ્રામા રોડ વિસ્તારમાં રહેતા હાર્દિક બદરૂકીયા નામના યુવકે કેનેડામાં અભ્યાસ કરતા સાત જેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી હતી. ડોલરમાં ફી ભરી આપવાના બહાને રૂપિયા ૨૪ લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઈ છે. પોલીસે ઠગબાજ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોર્ટલમાં ભર્યા બાદ પરત મેળવી લીધા
કતારગામ આંબાતલાવડી ઝીલપાર્ક સોસાયટીમાં રહેતા મીત જયસુખભાઈ કમાણી (લેઉવા પટેલ) (ઉ.વ.૧૯)એ હાર્દિક દામજી બદરૂખીયા (રહે, મંત્રા હોમ્સ અબ્રામા રોડ મોટા વરાછા ) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી હાર્દિકને સને ૨૦૨૨માં કેનેડામાં અભ્યાસ કરતા સાત જેટલા વિદ્યાર્થીઓની ડોલરમાં ફી ભરવા માટે કુલ રૂપિયા ૪૮,૬૬,૫૯૯ આપ્યા હતા. જેમાંથી તેને કમિશન પેટે રૂપિયા ૧૪,૫૯,૯૭૯ આપ્યા હતા. જયારે બાકીના રૂપિયા ૩૪,૦૬,૬૨૦ વિદ્યાથીઓની ફી ભરવા માટે લઈ ગયો હતો. હાર્દિકે પહેલા ઓનલાઈન ફી સ્ટુડન્ટ પોર્ટલમાં ભર્યા બાદ થોડા સમય પછી ક્લેઈમ કરી પરત મેળવી લીધા હતા. બીજી તરફ વિદ્યાર્થીઓ મીત પાસે ઉઘરાણી કરતા તેણે વિદ્યાર્થી વસ્તલને ૯૦ હજાર, ઉર્વેશને ૧.૩૧ લાખ, નિલેશને ૩.૯૦ લાખ, આકાશને ૮૦ હજાર, ભાવેશને ૪.૭૭ લાખ, મનોજને ૫.૨૬ લાખ, કૃતિ કેવડીયાને ૭.૭૫ લાખ મળી કુલ રૂપિયા ૨૪,૫૨,૧૫૦ પરત આપી દીધા હતા.
પોલીસ કશું કરવાના નથી તેવું કહ્યું હતું
જયારે બાકીના પૈસા અંગે મીતે તેમને જેમ સગવડ થશે તેમ આપવાની વાત કરી હતી. મીતે હાર્દિકને વિદ્યાર્થીઓ રૂપિયા અને એડમીશન અંગે પૂછતા ગાળાગાળી કરવા લાગ્યો હતો. મીતે પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરતા તેને પોલીસવાળા કશું કરવાના નથી તેવી ધમકી આપી હતી. છેવડે હાર્દિકે ૩૪,૦૪,૬૨૦માંથી યાજ્ઞિક જસાણી નામના વિદ્યાર્થીના કાકાને રૂપિયા ૧૦ લાખ બારોબાર આપી દેવાની વાત કરી હતી. ત્યારબાદ બાકી લેવાના નિકળતા રૂપિયા ૨૪,૦૪,૬૨૦ની અવાર નવાર માંગણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી. પોલીસે મીતની ફરિયાદ લઈ હાર્દિક બદરૂખીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.








