સોશિયલ મીડિયા પર જાહેરાતમાં મોબાઈલ નંબર મુકતા લોકો સાવધાન! સુરતમાં જે બન્યું એ જાણીને તમે...
આજકાલ સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે આ જાહેરાતમાં લોકો પોતાનો નંબર

આજકાલ સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે આ જાહેરાતમાં લોકો પોતાનો નંબર પણ મૂકતા હોય છે. જેનો દુરૂપયોગ થતો હોવાનો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં મંદિર બનાવતા વેપારીને સોશિયલ મીડિયાની જાહેરાત પરથી નંબર લઈને અવારનવાર ફોન કરવામાં આવ્યાં હતાં. જેથી વેપારી પોતાના કામ પડતા મૂકીને ફોન કરનારના ઘરે મંદિરનું માપ લેવા ગયા હતાં. જ્યાં એક મહિલા અને તેના સાથીદારોએ હનિટ્રેપમાં ફસાવીને 17 લાખ ઉસેટી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
વેપારીને ફસાવ્યો
આ કેસની વિગત એવી છે કે 38 વર્ષીય વેપારી નવયુગ કોલેજ સામે રાંદેર રોડ પર રહે છે. પાલના વેસ્ટર્ન અરેનામાં તેમની દુકાન છે. તેઓ ધાર્મિક ક્રિયા માટેનો સામાન તેમાં વેચે છે. સોશિયલ મીડિયા પર દુકાનની જાહેરાત સાથે વેપારીએ પોતાનો અંગત મોબાઈલ નંબર પણ મુક્યો હતો. જેના આધારે વારંવાર એક વ્યક્તિના મંદિર બનાવવાને લઈને ફોન આવતાં વેપારી વ્યસ્તતા વચ્ચે સમય કાઝીને લોકેશનના આધારે તેના ઘરે ગયાં હતાં.
વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યો
વેપારી ઘરમાં મંદિરનું માપ લેવા ઉપરના માળે આવેલા બેડરૂમમાં રહેલી મહિલાએ દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં પોતાના કપડાં ઉતારવા માંડ્યા હતા. આ જોઈ વેપારીએ પૂછ્યું આ શું કરો છો? હું ખોટી જગ્યાએ આવી ગયો છું, મને જવા દો. આવું કહીને હજી વેપારીએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધો હતો. ત્યારબાદ ત્યાં ત્રણ અજાણ્યા પુરુષ બેડરૂમમાં પ્રવેશ્યા હતા. પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તમે કૂટણખાનું ચલાવો છો.. એમ કહી ધમકાવ્યા હતા. એક શખ્સે વેપારીને ગાલ પર તમાચો પણ મારી દીધો હતો. પોલીસ કેસ કરવાની ધમકી આપી પતાવટના 15 લાખ માંગ્યા હતા. સગવડ થાય તેમ નથી એવું કહેતા વેપારીના મોબાઈલમાં એચડીએફસી બેન્કની એપ્લીકેશનમાંથી બેન્ક બેલેન્સ જોયું હતું, તેમાં 7.32 લાખ બેલેન્સ હતું. આ ઉપરાંત દુકાનમાં 1.60 લાખ પડ્યા હતા. ક્રેડિટ કાર્ડમાંથી 1.40 લાખ એમ કરીને 10 લાખની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.
17 લાખ પડાવતાં ફરિયાદ નોંધાવી
ટોળકી દ્વારા અવારનવાર રૂપિયાની માગ કરવામાં આવી હતી. જેથી કંટાળીને વેપારીએ 17 લાખ ગુમાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકીને નવસારી, એરૂગામ ખાતે આવેલા કૈવલ ફાર્મ ખાતેથી લાખો રૂપિયાની મત્તા સાથે ઝડપી પાડી હતી.
પકડાયેલા આરોપીઓના નામ
1, રમેશ ઉર્ફે રામ વલ્લભભાઈ નાવડીયા (ઉ.વ.42) ઘર નંબર 147 સૂર્યકિરણ સોસાયટી, ચીકુવાડી વરાછા, સુરત
2, રાહુલ રમેશભાઈ કથીરીયા (ઉ.વ.આ 42) ઘર નંબર 215, સંસ્કારવીલા સોસાયટી, સરથાણા જકાતનાકા
3, માયા ભગાભાઈ સઈડા (ઉ.વ.આ.31) પરીમલ પાર્ક, મારૂતિ ચોક, વરાછા
4 કેતન મગનભાઈ ભાદાણી (ઉ.વ.આ.34) 602 રીવર કેન્ટ એપાર્ટમેન્ટ, યમુના ચોક વરાછા
કબ્જે કરાયેલા મુદ્દામાલ
આરોપીઓ પાસેથી 5.69 લાખ રોકડા, મોબાઈલ ફોન નંગ-7 જેની કિંમત અંદાજે 49 હજાર અને આરોપી રામ ઉર્ફે રામ નાવડીયાના કબ્જામાંથી મળેલ ડુપ્લિકેટ પોલીસ સબ ઈન્સ્પેક્ટરનું આઈકાર્ડ, આરોપી માયા સઈડાના કબ્જામાંથી ટાઈમ્સ વોચ પ્રેસનું આઈકાર્ડ, સ્વીફ્ટ કાર જેની કિંમત 5 લાખ અને વીઝા કાર્ડ સહિતની કુલ 11.18 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.








