ઇતિહાસમાં પહેલીવાર શ્રી યંત્રના ઉપયોગથી ચાલતું જુગારધામ ઝડપાયું! મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચકરાવે ચડી
તીનપત્તી જેવા બાવન પત્તાનો ખેલ જ માત્રા જુગાર નથી હોતો. પરંતુ જુગારીઓ દ્વારા હાર-જીતના નામે

તીનપત્તી જેવા બાવન પત્તાનો ખેલ જ માત્રા જુગાર નથી હોતો. પરંતુ જુગારીઓ દ્વારા હાર-જીતના નામે અવનવા કીમીયા લગાવીને લોકોને જીતાડવાના નામે પોતાના ગજવા ભરતા હોય છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ઝડપાયેલું જુગારધામ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે આ જુગાર તાસના પત્તાથી નહીં પરંતુ શ્રીયંત્ર સહિતના 14 જેટલા ધાર્મિક યંત્રો દ્વારા રમાડવામાં આવતો હતો. પોલીસે જ્યારે આ જુગારધામ પર રેડ પાડી તો આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી.
પોલીસે પાડેલા દરોડામાં મળી આવ્યા આ ધાર્મિક યંત્રો
એચ.એસ.ઓનલાઇન માર્કેટિંગ પ્રાઇવેટ લિમીટેડ પ્લાનેટ લખેલા કુલ 14 પ્રકારના યંત્રના કાર્ડ મળ્યા હતા. જેમાં વાસ્તુ 4 નંગ યંત્ર-મલસ્યા યંત્ર, 3 વાસ્તુ યંત્ર, 2 પ્લેનેટ યંત્ર, 3 કુબેર યંત્ર, 1 લવ યંત્ર, 1 સુદર્શન યંત્ર અને 33 નંગ સ્માર્ટ કાર્ડ જેમાં 5 કુબેર યંત્ર, 8 મત્સ્યા યંત્ર, 4 વાત્સુ યંત્ર, 3 શ્રી યંત્ર, 4 મેડિટેશન યંત્ર, 2 ગ્રૃહ યંત્ર, 2 તારા યંત્ર, 2 પ્લેનેટ યંત્ર, 2 વશીકરણ યંત્ર, 2 ધનુ રાશીના યંત્ર હતા. ઉલ્લેખનીય છે કે આ જુગારધામની અંદર અને બહાર બંન્ને બાજુએ જે પ્રિન્ટેડ બોર્ડ લગાવેલા હતા એમાં લખાણ હતું કે, 'આથી લાગતા વળગતા તમામોએ નોંધ લેવી કે એચ.એસ. ઓનલાઇન માર્કેટીંગએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સ્પેશિયલ સીવીલ એપ્લિકેશનને 2244/13થી હુકમ કરેલ છે કે ઓનલાઈન યંત્રનું વેચાણ કરવું તે કાયદેસર છે અને હુકમ મુજબ જુગાર ધારાની કોઈ કાર્યવાહી કરવી નહીં. અને ખોટી રીતે હેરાન પરેશાન અવરોધ કરવો નહીં.' આ પ્રકારનું લખાણ વાંચીને કેટલાક લોકો ભોરવાઈ ગયા અને બેફિકર થઈને જુગારધામમાં જુગાર રમતા હતા. પોલીસને દરોડાની કાર્યવાહીમાં રોકડા 80,552, યંત્રના મશીન, કોમ્પ્યુટર, કાર્ડ સ્કેનર, કોઇન મશીન, 21 નંગ મોબાઇલ ફોન, 47 નંગ અલગ-અલગ ધાર્મિક યંત્રના કાર્ડ, 61 નંગ ચાંદી જેવી ધાતુના સિક્કા મળી કુલ રૂ. 2.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઇ લીધો હતો.
યંત્રના વેચાણને કાયદેસર ગણાવાતું
કાપોદ્રા વિસ્તારમાં આવેલા રચના સર્કલ નજીક ગાયત્રી સોસાયટીમાં એચ.એસ. માર્કેટીંગ પ્રા. લિ. નામની ઓફિસની આડમાં ભાવિન મોજીદ્રા અને વિજય ગોલાણીયા નામના બે શખ્સો આ યંત્ર આધારિત જુગાર રમાડતાં હતાં. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અહીં આ બે ગઠિયાઓ દ્વારા જુગારધામ ચલાવવામા આવી રહ્યું છે. ત્યારે પોલીસે ડમી માણસ મોકલીને પહેલા અહીં ચાલતી પ્રવૃત્તિની ભાળ મેળવી હતી. પછી જ્યારે અચાનક પોલીસે અહીં દરોડા પાડતા નાસભાગ મચી ગઇ હતી. જો કે, પોલીસે પંકજ તખતસિંહ સોલંકી અને સુરેશ અજમલ સોલંકી સહિત 24ને ઝડપી પાડયા હતા. જેમાં પંકજ અને સુરેશ આ બંન્ને ત્યાં સવારે 9થી સાંજના 8 વાગ્યા સુધીની નોકરી કરતા હતા, તેમને 15 હજારનો પગાર પણ મળતો હતો, એટલે કે ટૂંકમાં આ બંન્ને શખ્સો પગાર પર રાખેલા જુગારધામના વહીવટદાર હતા. ભાવિન મોજીદ્રા અને વિજય ગોલાણીયા ભાવનગરના રહેવાસી છે, આ જુગારધામના માસ્ટરમાઈન્ડ એટલે કે માલિકો પણ આ શખ્સો જ છે, જેઓ પોલીસ પકડથી હજુ દૂર છે.
આ રીતે જુગાર રમાડાતો
પંકજ અને સુરેશે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત પ્રમાણે, ભાવિન અને વિજયે ભાડાની ઓફિસ રાખી હતી, જેમાં યંત્ર આધારિત જુગાર રમાડતા હતાં. આવનાર ગ્રાહક યંત્ર ઉપર રૂ. 11, 22, 33, 44 અને 55થી લઇ રૂ. 500 સુધીની રકમ લગાડીને પોતાનું નસીબ અજમાવતા હતા. જેમાં ગ્રાહકે યંત્ર પસંદ કરવાનું રહેતું. યંત્ર પસંદ કર્યા પછી 11 લગાવે તો શ્રી યંત્રના ચિત્ર ઉપર 1 લખી તેમની પાસે રહેલો કાર્ડ સ્કેન કરી ગ્રાહકને આપી દેતા હતા. દર પાંચ મિનીટ પછી મશીનથી કોઇ એક યંત્ર સિલેક્ટ કરવામાં આવતું હતું. સિલેક્ટ થયેલા યંત્ર ઉપર નસીબ અજમાવનાર વિજેતા થતા હતાં. તેણે લગાવેલી રકમના 9 ગણા રોકડા રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે હારી જનાર પાસેથી યંત્ર પરત લઇ લેવામાં આવતું હતું. ત્યારબાદ ફરીથી આ જ રીતે જુગાર રમાડતા હતા.








