સુરતમાં મિઠાઈ ભરેલી ઈકો કારનો અકસ્માત, રસ્તા પર ચાસણી ઢોળાતા વાહન ચાલકો લપસતાં-લપસતા બચ્યા
સુરતના રસ્તાઓ પર રોજે રોજ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રિંગરોડ વિસ્તારમાં આવેલા મજૂરા ગેટ વિ

સુરતના રસ્તાઓ પર રોજે રોજ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રિંગરોડ વિસ્તારમાં આવેલા મજૂરા ગેટ વિસ્તારમાં એક મિઠાઈ ભરેલી કારનો અકસ્માત સર્જાયો હતો. ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી મોપેડને અડફેટે આવી ગયું હતું. જેથી ઈકોમાં રાખવામાં આવેલા રસગુલ્લા અને ગુલાબજાંબુ રસ્તા પર ઢોળાઈ ગયાં હતાં. બીજી તરફ ચાસણીની રેલમછેલ થતાં રસ્તો ચીકણો થઈ ગયો હતો.
વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
રીંગરોડના મજૂરા ગેટ વિસ્તારમાં ઈકો કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકોને અકસ્માતમાં નુકસાન થયું હતું. જેથી મિઠાઈની ચાસણી રસ્તા પર ઢોળાઈ ગઈ હતી. જેથી વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
કારચાલકને પહોંચી ઈજા
અકસ્માતમાં કારના ચાલકને ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બ્રિજની શરૂઆતમાં જ અકસ્માત નડતા લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. અંદાજે બેથી ત્રણ કિલોમીટર જેટલા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો.








