મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ ડમ્પરે રાહદારીને કચડી મારી મોપેડને લીધું અડફેટે, લોકોએ ડ્રાઈવરને ઝડપી આપ્યો મેથીપાક

સુરતના રસ્તાઓ પર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને માતેલા સાંઢની જેમ ડમ્પર ફરતા

સુરત/ ડમ્પરે રાહદારીને કચડી મારી મોપેડને લીધું અડફેટે, લોકોએ ડ્રાઈવરને ઝડપી આપ્યો મેથીપાક

સુરતના રસ્તાઓ પર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને માતેલા સાંઢની જેમ ડમ્પર ફરતાં હોય છે. ત્યારે વરાછા વિસ્તારમાં ખાંડ બજાર ગરનાળા પાસે ડમ્પરે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં રાહદારીને કચડી મારીને ડમ્પરે મોપેડને અડફેટે લીધું હતું. સમગ્ર અકસ્માતમાં એકનું મોતને એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી લઈને મેથીપાક આપી પોલીસ હવાલે કર્યો હતો.

વરાછા વિસ્તારમાં આવેલા ખાંડ બજાર ગરનાળા નજીક ડમ્પરે (જીજે 07 ટીયુ 4128) અકસ્માત સર્જ્યો હતો. જેમાં રસ્તા પરથી પસાર થતાં આધેડ વયના અજાણ્યા વ્યક્તિને કચડી નાખ્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આધેડને અડફેટે લીધાના પાંચ જ મીટરમાં મોપેડ (જીજે 05 એનઈ 5274)ચાલકને અડફેટે લીધો હતો. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કમકમાટીભર્યા અકસ્માત બાદ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ એકઠાં થયેલા લોકોએ નાસી જવા પ્રયત્ન કરી રહેલા ડમ્પરના ચાલકને ઝડપી લીધો હતો. મેથીપાક આપ્યા બાદ ઈજાગ્રસ્તને લેવા આવેલી બે પૈકી એક 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરને બંધ કરી દીધો હતો. બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી જતાં ડમ્પરના ડ્રાઈવરને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ સમગ્ર અકસ્માતને લઈને વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો