VIDEO: સુરતમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ભડકો, સોનું 1.40 લાખ અને ચાંદી 2.60 લાખના ઓલ ટાઈમ હાઈ પર
ગુજરાતની ડાયમંડ સિટી એવા સુરતના બુલિય


ગુજરાતની ડાયમંડ સિટી એવા સુરતના બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવે આકાશી ઊંચાઈ સર કરી છે. વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક માંગને પગલે આજે સોના-ચાંદીના ભાવમાં મસમોટો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય જનતા અને લગ્નસરાની ખરીદી કરનારાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી
આજે સુરતમાં 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂપિયા 2,883નો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ સાથે જ સોનાનો ભાવ રૂપિયા 1,40,005 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોનાનો ભાવ રૂપિયા 1,37,122 હતો. આ અગાઉ 29 ડિસેમ્બર 2025ના રોજ સોનું રૂપિયા 1,38,161ના રેકોર્ડ સ્તર પર હતું, જે રેકોર્ડ આજે તૂટી ગયો છે.
ચાંદીમાં પણ તોતિંગ ઉછાળો
માત્ર સોનું જ નહીં, પણ ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. સુરતના બજારમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 2,60,000ના ઓલ ટાઈમ હાઈ સ્તર પર પહોંચી ગયો છે. ચાંદીમાં આવેલી આ તેજીને કારણે ઉદ્યોગો અને રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ છે.
બજારના નિષ્ણાતોનું શું કહેવું છે?
સ્થાનિક ઝવેરીઓના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને શેરબજારમાં અસ્થિરતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે. સુરતના બજારમાં લગ્નસરાની સિઝન પૂર્વે જ આવેલો આ ભાવવધારો મધ્યમ વર્ગ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.







