મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

44 કરોડની ખંડણી આપ્યા બાદ સુરતના હીરા વેપારી અલ કાયદાની કેદમાંથી છૂટ્યા, આફ્રિકામાં રોકાણ કરનારા વ્યવસાયીઓમાં ચિંતા

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં આશરે 3 મહિના પહેલાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાય

44 કરોડની ખંડણી આપ્યા બાદ સુરતના હીરા વેપારી અલ કાયદાની કેદમાંથી છૂટ્યા, આફ્રિકામાં રોકાણ કરનારા વ્યવસાયીઓમાં ચિંતા
આ સમાચાર સાંભળો

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં આશરે 3 મહિના પહેલાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણીનો આખરે હેમખેમ છુટકારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધીરુ રામાણીના પરિવારજનો પાસે અપહરણકારોએ 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ અંતે 4 મિલિયન યુરો એટલે કે આશરે રૂ. 44 કરોડની જંગી ખંડણી ચૂકવ્યા બાદ તેમનો છુટકારો થયો છે.

સોનાના પ્રોજેક્ટ માટે માલી ગયા હતા

75 વર્ષીય ઉદ્યોગપતિ ધીરુ રામાણી બે વર્ષ પહેલાં એક મોટા ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટના સંચાલન માટે માલી શિફ્ટ થયા હતા. અહીં ધીરુ રામાણી સાથે તેમના રસોઈયા અને ઇલેક્ટ્રિશિયનનું પણ અપહરણ થયું હતું. તેમના પરિવારના સભ્યોએ તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, આ અપહરણ કોઈ સ્થાનિક ગુનેગારોએ નહીં, પરંતુ અલ-કાયદા સાથે જોડાયેલા કટ્ટરપંથી જૂથે કર્યું હતું.

સરકારી મદદ વિના પરિવારે જ સોદો કર્યો

રામાણી પરિવારના એક નજીકના સગાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ‘અમારી પાસે વાટાઘાટો કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. અમારા વડીલના સુરક્ષિત પુનરાગમન માટે આખી પ્રક્રિયા પરિવારે જ સંભાળી હતી. તેમાં કોઈ સરકારી એજન્સીની મદદ લેવાઈ નથી.’

અપહરણકારોએ ધીરુ રામાણી અને અન્ય બે ભારતીયો જીવિત હોવાની સાબિતી આપવા માટે એક વીડિયો કોલ પણ કરાવ્યો હતો, જેના આધારે આ ડીલ ફાઇનલ થઈ હતી.

વૈશ્વિક સ્તરે મોટું નામ છે ધીરુ રામાણી

ધીરુ રામાણી આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગમાં ખૂબ મોટું નામ છે. તેઓ 'રામાણી એક્સપોર્ટ' નામે ડાયમંડ ફેક્ટરી ધરાવે છે, તેમજ ન્યૂયોર્કમાં 'CBD ડાયમંડ એન્ડ જ્વેલરી'ના શો-રૂમ્સ છે. સુરતમાં પણ તેમનું બિઝનેસ નેટવર્ક સક્રિય છે. હાલ તેમનો પરિવાર અમેરિકામાં સ્થાયી છે અને તેમના પુત્રો અમેરિકન નાગરિક છે.

આફ્રિકામાં રોકાણ કરનારા વેપારીઓમાં ચિંતા

સુરતના એક વરિષ્ઠ હીરા વેપારીએ જણાવ્યું કે, આ ઘટનાએ આફ્રિકન દેશોમાં રોકાણ કરનારા સુરતના સાહસિકોને ચિંતામાં મૂકી દીધા છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા ભારતીય વેપારીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. હાલમાં જ માલીમાં વધતા સુરક્ષા જોખમો અને અપહરણના ભય અંગે સત્તાવાર એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો