સુરતમાંથી ઝડપાયેલા 2 કરોડથી વધુના ડ્રગ્સના કેસમાં સપ્લાયર ઝડપાયો, વધુ નામો ખુલે તેવી આશંકા
સુરતનાં વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી 2 કિલોથી વધુ MD ડ્રગ્સ પકડાયું હતું. તથા ભરૂચ જિલ્લાનાં અંકલેશ

સુરતનાં વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી 2 કિલોથી વધુ MD ડ્રગ્સ પકડાયું હતું. તથા ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર GIDCમાં આવેલ અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાંથી દોઢસો ગ્રામ MD ડગ્સ તથા 430 કિલોગામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થનાં જથ્થો પકડાયો હતો. જેમાં કુલ 4 આરોપીઓને બે કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ સુરત ક્રાઈમબ્રાંચ અને સુરત ગ્રામ્ય SOG તથા ભરૂચ SOG દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં પોલીસ દ્વારા સુરતથી મુંબઇ ડ્રગ્સ સપ્લાય કરતા પલક પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.
રંગોલી ચોકડીથી પકડાયો હતો જથ્થો
સુરત ક્રાઈમબ્રાંચની ટીમો વર્કઆઉટમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, 20/10/2024નાં રોજ વિશાલ પટેલ નામના ઇસમે અંકલેશ્વર GIDC એસ્ટેટ અવસર એન્ટરપ્રાઇઝ નામની ફેકટરીમાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો બનાવી તેના માણસો મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ તથા વિપુલ પટેલ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઇ સ્કોડા ફોરવ્હીલ ગાડી નંબર GJ-16-DK-3299માં સાંજના છ વાગ્યાના અરસામાં રાજ હોટલ થઇ વેલંજા ગામ રંગોલી ચોકડી તરફ જતા રોડ ઉપર થઇ પસાર થવાના છે.
2.31 કિલો ડ્રગ્સ ઝડપાયું હતુ
આ બાતમીના આધારે બાતમીની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય તથા પોલીસ અધિક્ષક ભરૂચ સાથે સંકલનમાં રહી સુરત ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો અંકલેશ્વર તથા વેલંજા ગામ રંગોલી ચોકડી રવાના રવાના થઈ હતી. તુઆરબદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વેલંજા ગામની સીમમા રાજ હોટલથી રંગોલી ચાર રસ્તા તરફ જવાનાં રોડ તરફ જાહેરમાંથી મોન્ટુ દિલીપભાઇ પટેલ, વિરાટ હસમુખભાઇ પટેલ, વિપુલકુમાર જયંતિભાઇ પટેલને 2 કિલો 31 ગ્રામ ડ્રગ્સ, તેમજ એક સ્કોડા કાર સાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સની કિંમત રૂપિયા 2,03,10,000 હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ ત્રણેય સામે NDPS એક્ટ હેઠળ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
ફેક્ટરીમાંથી રો મટીરીયલ્સ ઝડપાયું હતુ
તો બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા ભરૂચ જિલ્લા એસ.ઓ.જી. પોલીસની ટિમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર GIDCમાં અવસર એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમાંથી આરોપી વિશાલ મુકુંદભાઈ પટેલને 141 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. ઉપરાંત શંકાસ્પદ માદક પદાર્થ ફૂલ વજન 426.95 કિલોગ્રામ છે તેને ચકાસણી માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. આ બાબતે ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
પલકને વેચાણમાંથી મળતુ કમિશન
અંકલેશ્વર GIDCમાં આવેલ અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં પકડાયેલ વિશાલ પટેલનાં કહેવાથી મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ કે જેઓ બન્ને કેમિકલ પ્રોસેસનાં જાણકાર હોય તેઓએ આ ફેક્ટરીમાં માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ બનાવી સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વિરાટ પટેલનાં માસીના દિકરા પલક પટેલને આપતો હતો. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પલક પટેલની કતારગામ દરવાજાથી ધરપકડ કરવામાં આવી છે. પલક સુરતનાં જ એક વ્યક્તિને ડ્રગ્સ મુંબઇ મોકલવા આપતો હોવાનું સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું. તેથી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પલક દ્વારા જે વ્યક્તિને એમડી સપ્લાય કરવામાં આવતું હતું તે વ્યક્તિને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હજી પણ વધુ લોકોના નામ ખુલે તેવી શક્યતા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો પલક અગાઉ હત્યાના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. પલક ડાયમંડ બ્રોકિંગના ધંધા સાથે ઝડપાયો હતો અને 5થી 6 મહિનાથી તે આ ધંધો કરી રહ્યો હતો. પલકને ડ્રગ્સના વેચાણ પેટે 1 લાખ રૂપિયાનું કમિશન મળતું હતું.
વધુ નામ ખુલે તેવી આશંકા
વિરાટ નામના ઇસમ દ્વારા પલકને જુલાઈ 2024માં વેચાણ માટે એમડી લેવાનું જણાવવામાં આવ્યું હતું અને તેથી પલક દ્વારા બે વખત 6- 6 લાખ રૂપિયાની કિંમતે એક એક કિલો એમડી વિરાટ પાસેથી લેવામાં આવ્યું હતું અને 1 લાખ રૂપિયાનું કમિશન રાખીને પલક આ MDનો જથ્થો એક વ્યક્તિને વહેચતો હતો અને તે આ જથ્થો મુંબઈ સુધી પહોંચાડતો હતો. તો પલક સામે 2014માં સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો પણ નોંધાયો છે. જેમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થતા પલકે પોતાના મિત્ર સાથે મળીને એક યુવકની હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.








