પાવાગઢ પોલીસ સ્ટેશનના PSIની અચાનક બદલી, જૈન સમાજની મૂર્તિઓ ખંડિત મામલે કાર્યવાહી
પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ મેઘરાજ સિંહ એલ.ગોહિલની અચાનક બદલી કરવામાં આવી છે. પાવાગઢ ખાતે જૈન સમાજની મૂર્

પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ મેઘરાજ સિંહ એલ.ગોહિલની અચાનક બદલી કરવામાં આવી છે. પાવાગઢ ખાતે જૈન સમાજની મૂર્તિઓ ખંડિત કરવા મામલે બદલી કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ મનાઇ રહ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડાએ PSI મેઘરાજ સિંહ ગોહિલની બદલીનો ઓર્ડર કર્યો હતો. PSI ગોહિલની જગ્યાએ આર.જે.જાડેજાને પાવાગઢ પોલીસ સ્ટેશને મુકવામાં આવ્યા છે.
શું હતો વિવાદ?
પાવાગઢમાં 500 વર્ષથી સ્થાપિત જૈન તિર્થકરોની મૂર્તિઓ હટાવવામાં આવી હતી. આ ઘટનાને લઇને જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીના નિવાસસ્થાનની સામે જૈન મુનિઓ અને અનુયાયીઓ બેસી ગયા હતા. મૂર્તિઓ હટાવી દેવા નોંધાયેલી પોલીસ ફરિયાદ લૂલી હોવાનો દાવો કર્યો હતો અને તેમાં ટ્રસ્ટીના નામ ના હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. ચોક્કસ ફરિયાદ નોંધાય નહીં અને જવાબદારોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
જૈન સમાજે આંદોલન સમેટી લીધુ
જૈન સમાજે શરૂ કરેલું આંદોલન વિવાદનું સમાધાન થતા સમેટી લેવામાં આવ્યું હતું.ગાંધીનગર ખાતે રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પાવાગઢ પ્રશ્ને મિટિંગ યોજાઇ હતી. અગ્રણીઓ સહિત ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં પાવાગઢમાં મૂર્તિ પુન:સ્થાપિત કરવાનું કાર્ય પૂર્ણ થયું હોવાનું જણાવાયું હતું તેમજ આગળ ઘટતા પગલા લેવા માટેની કાર્યવાહી ચાલુ હોવાનું કહેવામાં આવતા આંદોલન સમેટી લેવામાં આવ્યું છે.








