મહેસાણાઃ 22 વર્ષીય યુવતીને સ્ત્રી-પુરુષ બંનેના જનનાંગો હતા! ઓપરેશન કરી એક દૂર કરાયુંં
મહેસાણાના વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત

મહેસાણાના વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં અતિ દુર્લભ અને અસાધારણ ગણાતા કન્જનાઈટલ એડ્રેનલ હાઈપરપ્લેશિયા-CAH નામના રોગનું એક દર્દી આવ્યું હતું. આ રોગ એટલે કોઈ વ્યક્તિના શરીરમાં સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હોવા. 22 વર્ષની યુવતી જન્મથી આ રોગથી પીડાતી હતી. નૂતન જનરલ હોસ્પિટલના ડોક્ટરોએ આ પડકારજનક સર્જરી કરીને આ યુવતીને રોગમુક્ત કરી છે અને તેને એક પૂર્ણ સ્ત્રી બનાવી છે.
અનેક ડોક્ટરોએ હાથ ઉંચા કર્યા
અતિ દુર્લભ અને અસાધારણ ગણાતા કન્જનાઈટલ એડ્રેનલ હાઈપરપ્લેશિયા-CAH નામના રોગથી પીડાતી આ યુવતીએ રોગના નિરાકરણ માટે ઘણા ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો, જો કે અનેક ડોક્ટરોએ આ યુવતીની બીમારી દૂર કરવાને બદલે હાથ ઉંચા કરી દીધા હતા. 22 વર્ષ સુધી ખૂબ જ હતાશા અને નિરાશા લઈ ભવિષ્યની ચિંતામાં રહેલી આ યુવતી વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં આવી હતી અને હોસ્પિટલના ડોકટરોએ સફળ સર્જરી કરી યુવતીને એક પૂર્ણ સ્ત્રીનું નવું જીવન આપ્યું.
નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ આ રીતે કરી સર્જરી
નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરના ગાયનેક વિભાગમાં સારવાર માટે આવેલી આ દર્દીનું નિદાન કરતા તેને વધારે પ્રમાણમાં એન્ડ્રોજનના સ્ત્રાવને કારણે અને સ્ત્રી અંતઃસ્ત્રાવોની ખામીને લીધે જનનાંગનો અમુક ભાગ વધુ પ્રમાણમાં વિકાસ પામતા પુરુષ જનનાંગ વિકસિત થઈ ગયું હતું તથા યોનિ માર્ગ ખૂબ જ સાંકડું થઈ ગયું હોવાનું જણાયું હતું.
દર્દીના MRI રિપોર્ટ થકી દર્દીને ગર્ભાશય અને અંડાશય હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તે દર્દીને એક મહિના માટે પુરુષ અંતઃસ્ત્રાવ ઘટે અને સ્ત્રી અંતઃસ્ત્રાવ વધે તેવી અદ્યતન સારવાર આપી અંતઃસ્ત્રાવો નોર્મલ કરવામાં આવ્યાં હતા.
ત્યારબાદ નૂતન જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તજજ્ઞ તબીબોએ એનેસ્થેસિયા ટીમના સહયોગથી ક્લીટોરોપ્લાસ્ટી અને વજાઈનોપ્લાસ્ટીનું પ્લાસ્ટિક સર્જરીનું મોટું જટિલ ઓપરેશન કરી વિકસિત પાંચ ઇંચનું પુરુષ જનેન્દ્રીય દૂર કર્યું હતું તથા યોનીમાર્ગને પહોળો કરી તેનું ગર્ભાશય સાથે સંકલન કર્યું હતું.
ઓપરેશન કરનાર ડોક્ટર્સ
- ડૉ. માધુરીબેન અલવાણી - ગાયનેક વિભાગના તજજ્ઞ અને હેડ
- ડૉ. પંકજ નિમ્બાલકર - ગાયનેક પ્રોફેસર અને એસોસીએટ ડીન
- ડૉ. હાર્દિક હળવદિયા
- ડૉ. કિરીટ પટેલ - પ્લાસ્ટિક સર્જન
- સંપૂર્ણ ગાયનેક ટીમ
- એનેસ્થેસિયા ટીમ
સંપૂર્ણ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી
નૂતન જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તજજ્ઞ તબીબોએ લાખો રૂપિયાના ખર્ચે થનારી આ સંપૂર્ણ સર્જરી નિઃશુલ્ક કરી હતી. સર્જરી બાદ સ્વસ્થ થયેલી યુવતી હવે નવા જીવનમાં પ્રવેશી છે. આ યુવતી અને તેના પરિવારે નૂતન જનરલ હોસ્પિટલના તબીબો અને ટ્રસ્ટીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.








