શિક્ષક સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત, છોટાઉદેપુરની આ શાળામાં લાલિયાવાડી
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલી માથાજુલધાની પ્રાથમિક શાળામાં

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલી માથાજુલધાની પ્રાથમિક શાળામાં 18 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં એક જ શિક્ષક ચૌધરી દિપકભાઈ લાલજીભાઈ ફરજ બજાવે છે. આ શિક્ષક પણ 23 ઓગસ્ટ, 2024ના રોજથી કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર શાળામાં સતત ગેરહાજર હતા પરિણામે 20 દિવસ સુધી શાળા બંધ રહી હતી. જેના પગલે ગ્રામજનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ બાબતે રજૂઆત કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઊંઘમાંથી જાગ્યા હતા. બીજી શાળાઓમાંથી શિક્ષક મોકલી શાળા શરૂ કરાવવામાં આવી હતી.
આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આ રીતની શિક્ષકોની લાલિયાવાડી ચાલી રહી છે છતાંય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આવા શિક્ષકો સામે કોઈ પણ પગલાં ભરતા નથી. હાલ તો આદિવાસી ગરીબ બાળકોના પાયાના શિક્ષણ ઉપર અસર પડી રહી છે. ઓનલાઇન હાજરી પૂરવાની સિસ્ટમ બનાવવામાં આવી છે છતાંય વીસ વીસ દિવસો સુધી શાળાઓ બંધ રહે છે.
આવા અંધેર વહીવટના કારણે આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. હાલ તો આવા વહીવટથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બીજી તરફ આ શાળામાં છેલ્લા 4 માસથી લાઇટો પણ નથી.






