'અમારી બ્રાન્ડ છે....', કેકમાંથી ફૂગ નીકળ્યાની ફરિયાદ કરતાં વિદ્યાર્થીઓને મળ્યો ઉડાઉ જવાબ
વડોદરા શહેરમાં ફરી એકવાર ફૂડ સેફ્ટીના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. શ

વડોદરા શહેરમાં ફરી એકવાર ફૂડ સેફ્ટીના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જાણીતા સંતુષ્ટિ મેક્સ એન્ડ મોર આઉટલેટ પરથી ખરીદેલી સીલ્ડ પેક ચીઝ કેક ફૂગવાળી અને સડેલી મળતાં ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. ખાનગી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
સડેલી પ્રોડક્ટ
વાઘોડિયા રોડ વિસ્તારમાં ભાડે રહેતા બે વિદ્યાર્થીઓએ ગત રાત્રે આઉટલેટ પરથી રૂ. 190 ના બે ચીઝ કેક ખરીદ્યા હતા. જ્યારે તેમણે પેક ખોલ્યા, ત્યારે સ્પષ્ટ રીતે જણાયું કે કેક ફૂગ ચડેલી અને સડેલી હતી.
વિદ્યાર્થીઓએ તરત જ આઉટલેટના કર્મચારીઓને આ અંગે રજૂઆત કરી હતી, પરંતુ કર્મચારીઓએ પ્રોડક્ટ તપાસવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ, જ્યારે તેમણે આઉટલેટના સંચાલક સાથે ફોન પર સંપર્ક કર્યો, ત્યારે સંચાલક તરફથી અત્યંત ઉડાઉ પ્રતિભાવ મળ્યો હોવાનો આક્ષેપ છે. સંચાલકે કથિત રીતે કહ્યું હતું કે, “અમારી બ્રાન્ડ છે, પસંદ ન હોય તો બીજી લઈ લો – જે કરવું હોય કરો.”
ગંભીર આક્ષેપો
વિદ્યાર્થીઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ખરીદેલ સીલ્ડ પેક પર એક્સપાયરી તારીખ દર્શાવવામાં આવી નહોતી. તેઓ અગાઉ પણ આ આઉટલેટ પરથી ચીઝ કેક ખરીદી ચૂક્યા છે, તેથી સ્વાદ અને ગુણવત્તાની તેમને જાણ છે. આ વખતનો પ્રોડક્ટ સ્પષ્ટપણે સડેલો હતો.
આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત
આ સમગ્ર બેદરકારી અને ગ્રાહક સાથેના દુર્વ્યવહારથી નારાજ થઈને વિદ્યાર્થીઓએ જિલ્લા આરોગ્ય વિભાગને લેખિત ફરિયાદ કરી છે. તેમણે માંગણી કરી છે કે વડોદરામાં સંતુષ્ટિના તમામ આઉટલેટ્સમાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે. ફૂડ સેફ્ટીના તમામ ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે. તમામ પેક પ્રોડક્ટ્સ પર એક્સપાયરી ડેટ (expiry labelling) ફરજિયાત કરવામાં આવે.







