કેવી રીતે ભણશે ગુજરાત?, શાળા ખુલી છતા શિક્ષકોની ઊંઘ ઉડી નથી, વિદ્યાર્થી શિક્ષકોની રાહ જોઇને બેસી રહ્યાં
રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ શાળાઓ ફરી શરૂ થઇ ગઇ છે. નસવાડી તાલુકાના હરિપુરા વદેશીયા ગામની શાળામાં જ

રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ શાળાઓ ફરી શરૂ થઇ ગઇ છે. નસવાડી તાલુકાના હરિપુરા વદેશીયા ગામની શાળામાં જોકે, હજુ સુધી શિક્ષકોનું વેકેશન પૂર્ણ થયું ના હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. હરિપુરા વદેશીયા ગામની શાળામાં બાળકો તો સ્કૂલમાં પહોંચી ગયા પણ સ્કૂલને તાળા લાગેલા જોતા બહાર જ બેસી રહ્યાં હતા. સ્કૂલમાં શાળાના શિક્ષકો ના પહોંચતા ગંભીર બેદરકારી જોવા મળી હતી. શિક્ષકો સામે કડક પગલા ભરવાની માંગ પણ ઉઠી રહી છે.
કેવી રીતે ભણશે ગુજરાત?
સરકાર દ્વારા બાળકોને ભણાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ નસવાડી તાલુકામાં બાળકો તો ભણવા માટે સ્કૂલમાં પહોંચી જાય છે પણ શિક્ષકો ના પહોંચતા તેમને રાહ જોવી પડે છે.
નસવાડી તાલુકાના હરિપુરા વદેશીયા ગામમાં નાના બાળકોને ભણવું છે પણ ભણાવવા માટે જે શિક્ષક જોઇએ તે હજુ સુધી સ્કૂલે પહોંચ્યા નથી. સ્કૂલના દરવાજાની બહાર તાળું મારેલું હોવાથી બાળકો દફતર લઇને શિક્ષકો આવશે અને તાળાં ખોલીને અમને ભણાવશે તેની રાહ જોઇ રહ્યાં છે. શાળામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઇ ગયું હોવા છતા પણ સ્કૂલમાં ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા હતા.
સ્કૂલ મોટાભાગે સવારે સાત વાગ્યે ખુલી જાય છે પણ નસવાડી તાલુકાના હરિપુરા વદેશીયા ગામની શાળા સવારના આઠ વાગ્યા સુધી પણ ખુલેલી જોવા મળી નહતી. આદિવાસી બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકોની બેદરકારીને લઇને ગ્રામ્ય વિસ્તારનું શિક્ષણ સાવ કથળી રહ્યું છે. 12થી વધુ બાળકો શાળા ના ખુલતા બહાર રાહ જોઇને બેસી રહ્યાં છે.મહત્ત્વપૂર્ણ છે કે નસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ હોવા છતાંય શિક્ષકો સમયસર શાળાએ ના પહોંચતા અનેક સવાલ ઉભા થયા છે. શિક્ષકો સામે પગલા ભરવાની પણ માંગ કરવામાં આવી છે.








