વડોદરા: કારેલીબાગમાં ટ્રકે ટુ-વ્હિલરને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત, 10 વર્ષના વિઝા મળતા અમેરિકા જવાની હતી
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આઈસર ટ્રકે મોપેડ પર જતી બે બહેનોને અડફેટે લેતા એકનું કમકમાટીભર

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આઈસર ટ્રકે મોપેડ પર જતી બે બહેનોને અડફેટે લેતા એકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી વાહન કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રવિવારે પૂરપાટ ઝડપે જઈ રહેલા આઈસર ટ્રકે મોપેડ પર જઈ રહેલા બે બહેનોને અડફેટે લીધી હતી. જેમાં ધોરણ 12માં ભણતી વિદ્યાર્થિની પર ટ્રકનું ટાયર ફરી વળતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
કેયા મોપેડ ચલાવતી હતી અને તેની પાછળ પિતરાઇ બહેન બેઠી હતી. તેઓ પાણીની ટાંકી સર્કલથી અમિત નગર તરફ જતા હતા. તે દરમિયાન એક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા બંને બહેનો રોડ પર ફંગોળાઇ ગઇ હતી. કેયાની પિતરાઇ બહેનને ડાબા પગના પંજા તથા ઘુંટણ પર ઇજા થઇ હતી. જ્યારે કેયાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
પોલીસે ટ્રક ડ્રાઈવરની કરી ધરપકડ
કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ટ્રક ડ્રાઇવર હરેશ ગોહિલ ( રહે. દ્વારકા)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કેયાને અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હતા અને ટૂંક સમયમાં વિદેશ જવાની હતી. જોકે અમેરિકા જતાં પહેલાં જ યમરૂપી ટ્રકે કેયાનો જીવ લઇ લીધો છે.






