Surat: અમરોલી ક્રોસ રોડ પાસે SMCનું કચરા ભરેલું ડમ્પર ડિવાઈડર સાથે અથડાયું, ડ્રાઇવર કેબિનમાં ફસાયો
સુરતમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરત મ્યુનિસ

સુરતમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) નું કચરાથી ભરેલું ડમ્પર ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાયું હતું. આ અકસ્માતને પગલે ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બચાવવા માટે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.
ડ્રાઇવરે કાબૂ ગુમાવતા અકસ્માત
આ બનાવ વહેલી સવારે અમરોલી ક્રોસ રોડ પાસેથી પસાર થતી વખતે બન્યો હતો. ડમ્પર ચાલક અનિલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કચરા ભરેલું ડમ્પર રસ્તાની બાજુએ ડિવાઈડરના થાંભલા સાથે અથડાયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાલક અનિલ ડમ્પરની કેબિનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો.
ફાયર અને પોલીસ દ્વારા રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ફસાયેલા ડમ્પર ચાલક અનિલને હેમખેમ બહાર કાઢ્યો હતો.
સદનસીબે, ડ્રાઇવર અનિલને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને કારણે વહેલી સવારે થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી.







