મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યાત્રાધામ ઉનાઈમાં દીપડાએ લટાર મારતા ડરનો માહોલ, કાર ચાલકે કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં છેલ્લા અનેક સમયથી દીપડો દેખાવાના બનાવવામાં વધારો નોંધાયો

યાત્રાધામ ઉનાઈમાં દીપડાએ લટાર મારતા ડરનો માહોલ, કાર ચાલકે કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં છેલ્લા અનેક સમયથી દીપડો દેખાવાના બનાવવામાં વધારો નોંધાયો છે. અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાતા લોકો પોતાના મોબાઈલમાં વિડીયો બનાવે છે. અને આવા પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ પણ થતા હોય છે. નવસારી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ પાસે પણ દીપડા દેખાવાનો એક વિડીયો સામે આવ્યો છે.

હોસ્ટેલની દિવાલ પર દેખાયો 

યાત્રાધામ ઉનાઈમાં રવિવારે મોડી રાત્રે દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. ઉનાઈના વિદ્યા કિરણ હાઇસ્કૂલની હોસ્ટેલની દિવાલ ઉપર દીપડો ચઢી લટાર મારતો એક કારચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકોમાં દીપડાની લટારથી ભયનો માહોલ છે. લોકોમાં દીપડાના આકસ્મિક હુમલાને લઈને ચિંતા અને ભય વ્યાપી ગયો છે. ગામવાસીઓએ વન વિભાગને દીપડાની આ લટાર અંગે તાત્કાલિક જાણકારી આપી પીંજરું ગોઠવવાની માંગણી કરી છે.

ડાંગથી આવેલા દીપડાઓ માટે નવસારી ઉત્તમ

નવસારીના પૂર્વમાં આદિવાસી વિસ્તારોમાં જંગલ આછા થતા શિકારની શોધમાં હિંસક દિપડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા છે. અહીં શેરડી અને ડાંગરના ખેતરો સાથે જ ચીકુ અને આંબાવાડીઓ, નદી અને કોતરો રહેવા માટે અનુકૂળ રહી શિકાર પણ સરળતાથી મળી રહેતા ચાલાક દિપડાઓને ખેતર અને વાડીઓ રહેવા માટે માફક આવી રહ્યા છે.ખાસ કરીને નવસારી જિલ્લો તેમને માફક આવી ગયો છે.પૂર્વ પટ્ટીના ગામોમાં ઘણીવાર દિપડાઓ રસ્તાઓ, હાઇવે તેમજ કોઈના ખેતર કે ઘરની દિવાલો પર લટાર મારતા જોવા મળી જાય છે. જેથી જંગલમાંથી ખેતરો અને વાડીઓમાં રહેતા શીખેલા ચબરાક દિપડાઓ હવે માનવવસ્તી સાથે રહેવાનું શીખવા માંડ્યા છે. ગ્રામ્ય વિસ્તાર પણ હવે દીપડાઓ માટે ટૂંકો પડતા શહેરી વિસ્તાર તરફનું સ્થળાંતર ચિંતા ઉપજાવનારું છે.

આ સમાચાર શેર કરો