મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોર્ડ ભીખુ પારેખની અધ્યક્ષતામાં યોજાયો શ્રેયાર્થ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ

અમદાવાદમાં ઈસ્કોન ક્રોસ રોડ પાસે આવેલા GSTV કેમ્પસ ખાતે આજે લોર્ડ ભીખુ

લોર્ડ ભીખુ પારેખની અધ્યક્ષતામાં યોજાયો શ્રેયાર્થ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ

અમદાવાદમાં ઈસ્કોન ક્રોસ રોડ પાસે આવેલા GSTV કેમ્પસ ખાતે આજે લોર્ડ ભીખુ પારેખની અધ્યક્ષતામાં શ્રેયાર્થ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં યુનિવર્સિટીના BBAના 29 અને BCAના 73 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથે શાંતિભાઈ શાહ જર્નાલિઝ્મ ફૅલોશિપની જાહેરાત કરવામાં આવી હતી અને ફૅલોશિપની પ્રથમ બેન્ચમાં પસંદગી પામેલા ઉમદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં હતા.  

લોર્ડ ભીખુ પારેખ

સ્વમૂલ્યાંકન દ્વારા પોતાની કાર્યપદ્ધતિ અને પરિણામમાં સુધારો કરે એ શ્રેષ્ઠ યુનિવર્સિટી : લોર્ડ ભીખુ પારેખ

આ દીક્ષાંત સમારોહ લોર્ડ ભીખુ પારેખની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેઓ યુકેથી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ યુકેની સંસદમાં લોર્ડ છે. બ્રિટિશ સંસદના લોર્ડ હોવા ઉપરાંત, તેઓ એક પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદ પણ છે. તેઓ યુકે સહિત વિશ્વની ઘણી અગ્રણી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા છે. યુનિવર્સિટી ઓફ હલ, વેસ્ટમિન્સ્ટર, યુએસએ ખાતે હાર્વર્ડ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અમેરીટસ પ્રોફેસર અને યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએસમાં વિઝિટિંગ પ્રોફેસર છે. તેમણે અનેક યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કર્યું છે. તેમને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર બનવાનું સન્માન મળ્યું છે. ભારત સરકારે તેમને પદ્મ ભૂષણના પ્રતિષ્ઠિત પુરસ્કારથી પણ સન્માનિત કર્યા છે. 

પોતાના સંબોધનમાં લોર્ડ ભીખુ પારેખે કહ્યું કે સારી કોલેજ અને શ્રેષ્ઠ કોલેજમાં અંતર શું છે? અમેરિકા સહીત દુનિયામાં ઘણી સારી કોલેજો છે, પણ તમે દુનિયાને શ્રેષ્ઠ કોલેજ કોને કહેશો? એક સારી કોલેજને  શ્રેષ્ઠ કોલેજ બનવામાં દાયકાઓ અને સૈકાઓ લાગી જાય છે. તેમણે કહ્યું કે સારી કોલજ એ છે કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ આપે અને શ્રેષ્ઠ કોલેજ એ છે જે સમયાંતરે પોતાની સંસ્થાનું મૂલ્યાંકન કરતી રહે અને તેમાં રહેલી ખામીઓને શોધીને તેને પુરી કરે. જે કોલેજ કે યુનિવર્સિટી પોતાના સ્વમૂલ્યાંકન દ્વારા પોતાની કાર્યપદ્ધતિ અને પરિણામમાં સુધારો કરી કોઈના જીવનમાં સુધારા લાવે તે શ્રેષ્ઠ કોલેજ કે યુનિવર્સિટી કહેવાય. 

આ તમારા એજ્યુકેશનની પૂર્ણાહુતિ નથી, પણ રિયલ એજ્યુકેશનની શરૂઆત : શ્રેયાંસ શાહ

આવકાર સંબોધનમાં શ્રેયાર્થ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રેયાંસ શાહે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આ તમારા એજ્યુકેશનની પૂર્ણાહુતિ નથી, પણ રિયલ એજ્યુકેશનની શરૂઆત છે. કોલેજના ભણતર પછી હવે તમારે બહુ પ્રચલિત શબ્દ AI-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સમજવો પડશે. AI અલલાઉદ્દિનના ચિરાગ જેવું કામ આજે કરી રહ્યો છે, એક જમાનામાં અશક્ય કે અસંભવ લાગતું કામ હવે AIએ શકય બનાવી દીધું છે. એક સમય હતો, જ્યારે માહિતી લેવા પુસ્તકોથી ભરેલા કબાટો વચ્ચે માહિતીની ખોજ કરવી પડતી. હવે માહિતી તમને તમારા મોબાઈલ દ્વારા જ ઉપલબ્ધ હશે. તમારી પત્ની બાળક કે સગા સંબંધી હોય કે ના હોય મોબાઈલ જ તમારું ફેમીલી હશે, પરંતુ મોબાઈલ વગરની જીંદગી બેચેની ભરેલી લાગશે. મોબાઈલના ઉપયોગ અંગે મને કઈ જ અજુગતું લાગતું નથી. મોબાઈલ એ માહિતીનો ખજાનો છે અને એ માહિતીનો તમે કેવી રીતે ઉપયોગ કરશો તેના પર જ તમારી સફળતાનો આધાર રહેવાનો છે.

શ્રેયાર્થ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રેયાંસ શાહ

તેમણે કહ્યું કે મોંઘવારી એ અમીરીની નિશાની હશે અને સોંઘવારી એ ગરીબીનો પર્યાય હતો અને છે, માટે આવનાર દિવસોમાં મોંઘવારી અને આસમાને જતાં ભાવથી ડરશો નહીં. જીવનનો સારાંશ તો રોટી, કપડાં અને મકાનમાં જ છે તમે આજે જીવનભરની કમાણીના 15 % રોટીમાં 25 % મકાનમાં અને બાકીના 60 % કપડામાં ખર્ચો છો. અહી કપડું એટલે તમારી અંદર રહેલુ ઐશ્વર્ય, સુખ સાહેબી, અને આકાંક્ષાઓ તમારા અરમાનોનું આવરણ એટલે કપડુ. તમારી પાસે જેટલી કમાણી છે એ પ્રમાણે તમે તમારી સુખ સાહ્યબીની વ્યાખ્યા કરશો તો સુખી થશો.

આ દીક્ષાંત સમારોહમાં સુધીર નાણાવટી, પદ્મશ્રી કુમારપાળ દેસાઇ, ડૉ.અનામીક શાહ, ડૉ.આર. એસ. સોઢી, ડૉ.રૂપેશ વસાણી, ધીરેન અવાસીયા, અદિતી શાહ, ડો.ધર્મેશ શાહ, ઇન્દિરા દત્તા, અને પ્રોફેસર દક્ષેશ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો