એવોર્ડ વિજેતા ‘સ્માર્ટ સિટી’ સુરતનું શરમજનક ચિત્ર, ખાડી સાફ કરી કચરો રોડ પર જ છોડી દીધો! વરસાદમાં મુશ્કેલી વધી
સુરતમાં છેલ્લા કે

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરમાં સ્વચ્છતાનો એવોર્ડ મેળવીને ડંકો વગાડનાર સ્માર્ટ સિટી સુરતની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. એક તરફ શહેરમાં છેલ્લા 3 દિવસથી અલગ-અલગ જગ્યાએ રોડ બેસી જવાની (ભૂવા પડવાની) ઘટનાઓ સામે આવી રહી છે, ત્યાં બીજી તરફ શહેરના ઉધના વિસ્તારમાં ગંદકીનું મોટું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ ગંદકી બીજે ક્યાંય નહીં, પરંતુ ખુદ સુરત મહાનગરપાલિકા (SMC)ની ઓફિસ અને બે શાળાઓની બિલકુલ નજીક જોવા મળતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ખાડી સાફ કરી, પણ કચરો રોડ પર જ છોડી દીધો!
મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના વિસ્તારમાં ખાડીની સાફ-સફાઈ કરવામાં આવી હતી. નિયમ મુજબ ખાડીમાંથી કાઢવામાં આવેલો ગંદો વેસ્ટેજ કચરો અને કાદવ સીધો ખજૂર ડિસ્પોઝલ સાઇટ પર મોકલવાનો હોય છે. પરંતુ પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે આ સમગ્ર ગંદો કચરો બાજુમાં આવેલા એક ઓપન પ્લોટમાં જ ઠાલવી દેવામાં આવ્યો.
હવે સવાલ એ થાય છે કે જ્યારે આખા સુરતનો કચરો ખજૂર સાઇટ પર નિકાલ કરવામાં આવે છે, તો પછી ઉધનાનો આ ગંદો કચરો અને કાદવ વચગાળાના પ્લોટમાં શા માટે નાખવામાં આવ્યો?
વરસાદે વધારી આફત: રોડ બન્યા લપસણા, વાહનચાલકો જોખમમાં
હાલમાં પડી રહેલા વરસાદના કારણે ઓપન પ્લોટમાં નાખેલો આ તમામ કાદવ અને ગંદો કચરો વરસાદી પાણી સાથે તણાઈને મુખ્ય રોડ પર આવી ગયો છે. જેના કારણે સમગ્ર રોડ પર દુર્ગંધ અને ગંદકી ફેલાઈ ગઈ છે. રસ્તા પર કાદવ પથરાઈ જવાને કારણે વાહનચાલકોના વાહનો લપસી જવાનો મોટો ભય ઊભો થયો છે, જેનાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
SMC ઓફિસ અને 2 સ્કૂલો પાસે જ નરકાગાર: બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં આ ગંદકી અને કચરાના ઢગલા ખડકાયા છે, તેની બિલકુલ બાજુમાં જ સુરત મહાનગરપાલિકાની પોતાની ઓફિસ આવેલી છે. પોતાની નાક નીચે જ ફેલાયેલી આ ગંદકી તંત્રને દેખાતી નથી તે આશ્ચર્યની વાત છે.
આ ઉપરાંત, આ એક ગીચ રહેણાક વિસ્તાર છે અને અહીં 2 મોટી શાળાઓ પણ આવેલી છે. દરરોજ શાળાએ જતા નાના-નાના માસૂમ બાળકોને આ જ ગંદકી અને દુર્ગંધ વચ્ચેથી પસાર થવું પડે છે. સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે કે આ ગંદકીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસાધારણ રીતે વધી ગયો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત છે.
સ્વચ્છતાના મોટા-મોટા દાવા કરતી સુરત મહાનગરપાલિકા શું આ ગંદકી હટાવીને બાળકો અને સ્થાનિક લોકોને રોગચાળાના ભયમાંથી મુક્ત કરશે ખરી? તે હવે જોવાનું રહ્યું.








