અમદાવાદ સેશન્સ કોર્ટે Gujsailના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણના આગોતરા જામીન ફગાવ્યા
ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ.- Gujsailના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ.- Gujsailના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણની મુશ્કેલીમાં વધારો થયો છે. સીટી સેશન્સ કોર્ટે કેપ્ટન અજય ચૌહાણના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. અજય ચૌહાણ પર પોતાની ફરજ દરમિયાન સરકારના એરક્રાફ્ટમાં કોઈપણ પરવાનગી લીધા વિના સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. પોતાના કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવી સરકારી તિજોરી ને આર્થિક નુકસાન પહોંચાડવાનો પણ કેપ્ટન અજય ચૌહાણ પર આરોપ છે. કેપ્ટન અજય ચૌહાણે ફરજ દરમિયાન Gujsail સિવાય અન્ય ખાનગી કંપનીઓને પણ સેવા આપી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે કેપ્ટન અજય ચૌહાણ સહિત કુલ ત્રણ આરોપીઓના આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે.
Gujsailના તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ACBએ ગુનો નોંધ્યો
ગુજરાત સરકારના મંત્રીઓ અને સરકારી કામ માટે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લીમીટેડ-Gujsailમાં અગાઉ કેપ્ટન તરીકે ફરજ બજાવતા અજય ચૌહાણ સામે ACB દ્વારા ગત જૂન મહિનામાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં તેણે સત્તાનો ખોટો ઉપયોગ કરીને એર ક્રાફ્ટના અંગત વપરાશ માટે લેવાની સાથે અનેક પ્રકારની ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને કુલ 72 લાખનું નુકશાન કર્યું હતું. આ ઉપરાંત, અન્ય રીતે લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર આચર્યો હતો. આ અંગે ACB એ વધુ તપાસ શરૂ કરી છે.
સરકારી એર ક્રાફ્ટનો પરિવાર માટે અંગત ઉપયોગ કર્યો
એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જી વી પઢેરિયાએ માહિતી આપતા જણાવ્યું કે ગુજસેલમાં અગાઉ ફરજ બજાવતા કેપ્ટન અજય ચૌહાણ સામે ગુજસેલના સિક્યોરીટી ઓફિસર દ્વારા એસીબીમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જેમાં અજય ચૌહાણે તેમની ફરજ દરમિયાન સરકારી એર ક્રાફ્ટનો પરિવાર માટે અંગત ઉપયોગ કરવાની સાથે અન્ય રીતે ભ્રષ્ટ્રાચાર આચરીને સરકારી તિજોરીને કુલ રૂપિયા 72 લાખનું નુકશાન કરાયાનો આરોપ મુકાયો છે. આ સંદર્ભમાં જરૂરી દસ્તાવેજી પુરાવા પણ આપવામાં આવ્યા છે.
અજય ચૌહાણે ફરજ દરમિયાન અન્ય ખાનગી કંપનીમાં સેવા આપી
અજય ચૌહાણે Gujsailમાં નોકરી કરવાની સાથે આર્યન એવીએશનમાં સેવા પુરી પાડીને 47 લાખ જેટલી રકમ મેળવી હતી. આ ઉપરાંત, આઉટ સોર્સ મેન પાવર પુરા પાડતી કેશમેક એવીએશન પ્રાઇવેટ લીમીટેડના એકાઉન્ટન્ટ અલ્પેશ ત્રિપાટી સાથે મળીને બનાવટી વાઉચર તૈયાર કરીને 10 લાખ રૂપિયા જેટલી રકમ અંગત એકાઉન્ટમાં ટ્રાન્સફર લીધી હતી. આ માટે અજય ચૌહાણે ગુજસેલમાં ખોટા આઉટ સોર્સીંગ સ્ટાફ દર્શાવીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું.આ સમગ્ર કૌભાંડ વર્ષ ૨૦૧૭માં બહાર આવતા સરકારે તેમને ફરજ મુક્ત કરીને સમગ્ર મામલે એસીબીમાં તપાસ કરવા માટે સુચના આપી હતી.
અજય ચૌહાણ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ
આ ઉપરાંત, અજય ચૌહાણ સાથે સાંઠગાંઠ ધરાવતા ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિની સંડોવણી સામે આવી હતી. આમ, એસીબીએ અજય ચૌહાણ ઉપરાંત, અલ્પેશ પ્રજાપતિ અને કેશમેક એવીએશન પ્રાઇવેટ લીમીટેડના એકાઉન્ટન્ટ અલ્પેશ ત્રિપાઠી વિરૂદ્વ ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ એક વિશેષ ટીમ દ્વારા કરવામાં આવશે. જેમાં અજય ચૌહાણના બેંક એકાઉન્ટ, મિલકતો અને અન્ય રોકાણ અંગે તપાસ શરૂ કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા મુજબ અજય ચૌહાણે કરોડો રૂપિયાનું રોકાણ તેમના રાજસ્થાનમાં આવેલા પાલી જિલ્લામાં કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.ઉલ્લેખનીય છે કે અજય ચૌહાણે ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગમાં 18 વર્ષ નોકરી કરી હતી. જેમાં તે 13 વર્ષ સુધી ગુજસેલની સીઇઓ તરીકે રહ્યા હતા. આ દરમિયાન સમગ્ર કૌભાંડ આચર્યું હતું.








