સુરેન્દ્રનગર : વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં દુકાનોની ફાળવણીમાં ઘાલમેલ, ગાંધીનગરથી તપાસના આદેશ
Surendranagar News : સુરેન્દ્રનગરમાં આવેલા વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ સાથે ચે

Surendranagar News : સુરેન્દ્રનગરમાં આવેલા વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ સાથે ચેડા કરીને દુકાનોની ફાળવણીમાં ઘાલમેલના આરોપ લાગ્યા હતા. આ અનુસંધાને ગાંધીનગરથી તપાસના આદેશ થતા વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને યાર્ડના અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
રોજનું લાખો રૂપિયાનું ટર્નઓવર ધરાવતું અને સતત વિવાદોમાં રહેતું સુરેન્દ્રનગરનું વઢવાણ માર્કેટિંગ યાર્ડ ફરી એક વિવાદથી ચર્ચામાં આવ્યું છે. વઢવાણ માર્કેટિંગના ચેરમેન અને 2 ડિરેકટરોએ યાર્ડના રેકોર્ડમાં ચેડા કરીને લાગતા-વળગતાઓને યાર્ડમાં દુકાનો આપી દીધાના ગંભીર આક્ષેપ લાગ્યા હતા.
આ આક્ષેપો બાદ ગાંધીનગરથી તપાસના આદેશ અપાયા હતા, જેના અનુસંધાને ગાંધીનગરથી અધિકારીઓની એક ટીમ તપાસ કરવા માટે વઢવાણ માર્કેટિંગ યાર્ડ આવી પહોંચી હતી. આ ટીમે સુરેન્દ્રનગર મંડળી રજિસ્ટ્રારને સાથે રાખી તપાસ શરૂ કરી હતી.
જો કે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ તપાસ કરવા આવી છે તેવી જાણ થતા જ જેમના પર આક્ષેપ લાગ્યા છે એ ચેરમેન અને યાર્ડના અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ડિરેકટરોની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે, જો કે ટૂંક સમયમાં આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ તેજ કરવામાં આવે તેવી તજવીજ શરૂ કરવામાં આવી છે.








