મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટીદાર અનામત આંદોલનના કેસમાં ધરપકડ વોરંટ છતાં હાર્દિક પટેલ ગેરહાજર, કોર્ટે બીજું વોરંટ ઇશ્યુ કર્યું

પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય કોર

પાટીદાર અનામત આંદોલનના કેસમાં ધરપકડ વોરંટ છતાં હાર્દિક પટેલ ગેરહાજર, કોર્ટે બીજું વોરંટ ઇશ્યુ કર્યું

પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 સપ્ટેમ્બરના રોજ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે.  પરંતુ કોર્ટમાં હાજર ન થતાં આજે (12 સપ્ટેમ્બર) ફરી ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. કોર્ટની મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસ વર્ષ 2018માં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ અને કિરણ પટેલ સહિત કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. એ સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો.

ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી, પૂર્વ આયોજિત કાવતરા સાથે રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. રેલીને અટકાવવામાં આવતાં તેઓ ઉશ્કેરાઈને પોલીસ સાથે માથાકૂટ કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

અગાઉ પણ પાટીદાર આંદોલન સંબંધિત કેસોમાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થઈ ચૂક્યા છે. કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતાં હવે પોલીસ દ્વારા હાર્દિક પટેલ અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો