મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ઇતિહાસ આ આંદોલનને હંમેશા યાદ રાખશે', પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ થવા પર હાર્દિક પટેલની પોસ્ટ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલનનો

'ઇતિહાસ આ આંદોલનને હંમેશા યાદ રાખશે', પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ થવા પર હાર્દિક પટેલની પોસ્ટ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહેલા હાર્દિક પટેલે કહ્યું કે, હું તમામને અનુરોધ કરૂ છું કે આંદોલનથી મળેલી યોજનાઓનો લાભ જરૂર ઉઠાવો.આ સાથે જ હાર્દિક પટેલે પાટીદાર આંદોલનમાં પાટીદાર સમાજના યુવાનોને ગુમાવવા બદલ દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.

પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ થવા પર હાર્દિક પટેલે શું લખ્યુ?

આજના દિવસે ગુજરાતના ગરીબ અને આર્થિક રીતે નબળા પાટીદાર સમાજ માટે સરકારી શિક્ષણ અને નોકરીઓમાં આરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સૌના સહયોગથી પાટીદાર આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. લગભગ ત્રણ વર્ષના સંઘર્ષ અને બલિદાન બાદ, માત્ર ગુજરાતના પાટીદાર સમાજને જ નહીં, પરંતુ આરક્ષણના દાયરામાંથી બાકાત રહેલા લગભગ 30 જેટલા સમાજોને બિનઆરક્ષિત આયોગ અને નિગમો મળ્યા. આ ઉપરાંત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દર વર્ષે 1000 કરોડ રૂપિયાની યોજના અને સરકારી નોકરીઓમાં પાંચ વર્ષની ઉંમર મર્યાદામાં વધારો પણ કરવામાં આવ્યો.

જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત સહિત દેશભરના પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત સહિત 50થી વધુ સમાજોને આર્થિક આધારે 10% આરક્ષણનો લાભ મળ્યો.

લગભગ દરરોજ મને ફોન આવે છે કે, “હાર્દિકભાઈ, તમે શરૂ કરેલા આંદોલનને કારણે લાગુ થયેલી આરક્ષણ અને યોજનાઓના કારણે મને નોકરી કે એડમિશન મળ્યું.” આ લડત સમાજના ગરીબ લોકો માટે હતી અને તે સફળ રહી.

કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે- હાર્દિક પટેલ

આ આંદોલનમાં ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું છે. કેટલાકે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા, જ્યારે હું સહિત 20 યુવાનોએ અમારા જીવનના ઘણા મહિનાઓ જેલમાં વિતાવ્યા. મારા સહિત ઘણા યુવાનો પર અનેક કેસ નોંધાયા, પરંતુ કહેવત છે કે જો કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પણ પડે છે. મને એ વાતનો જરાય દુઃખ નથી કે હું જેલ ગયો, પરંતુ મને એ વાતનું દુઃખ છે કે મેં સમાજના યુવાનો ગુમાવ્યા. જોકે, આ આંદોલનથી સમાજને જે લાભ મળ્યો તેનાથી હું ખુશ પણ છું.આ આંદોલન આખા સમાજનું હતું અને ઇતિહાસ આ આંદોલનને હંમેશા યાદ રાખશે.

હું ગુજરાતના તમામ યુવા પાટીદારો અને પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને શહીદ પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.હું સૌને વિનંતી કરું છું કે આંદોલનથી મળેલી યોજનાઓ અને આયોગોનો લાભ અવશ્ય લો.

પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ

પાટીદાર અનામત આંદોલનની શરૂઆત યુવા નેતા હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS) દ્વારા કરવામાં આવી હતી. આંદોલન જુલાઇ 2015માં શરૂ થયું હતું અને 25 ઓગસ્ટ 2015માં અમદાવાદમાં યોજાયેલી મહારેલીએ તેને વ્યાપક ઓળખ અપાવી હતી જેમાં હજારો લોકો સામેલ થયા હતા.આંદોલનનો હેતુ સમાજના આર્થિક રીતે નબળા વર્ગોના ઉત્થાન માટે હતો.

25 ઓગસ્ટ, 2015ની અમદાવાદની રેલી બાદ રાજ્યભરમાં હિંસા અને તોડફોડની ઘટનાઓ બની હતી, જેને કારણે કેટલાક શહેરોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો. કરોડો રૂપિયાની સંપત્તિ અને વાહનોનું નુકસાન થયું. 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ, પરંતુ 19 સપ્ટેમ્બરે આંદોલન ફરી હિંસક બન્યું.સરકારે વાતચીત દ્વારા પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો. 24 સપ્ટેમ્બર, 2015ના રોજ સરકારે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને સબસિડીની જાહેરાત કરી. એપ્રિલ 2016માં આર્થિક રીતે નબળા વર્ગો (EBC) માટે 10% આરક્ષણની જાહેરાત કરવામાં આવી, જોકે ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2016માં આ આરક્ષણ રદ કર્યું.

જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10% આરક્ષણની જાહેરાત કરી, જેનો લાભ પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત સહિત 50થી વધુ સમાજોને મળ્યો. આંદોલનના પરિણામે ગુજરાત સરકારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દર વર્ષે 1000 કરોડ રૂપિયાની યોજના શરૂ કરી અને સરકારી નોકરીઓમાં ઉંમર મર્યાદામાં પાંચ વર્ષનો વધારો કર્યો. બિનઆરક્ષિત આયોગ અને નિગમોની રચના પણ થઈ, જેનો લાભ 30થી વધુ સમાજોને મળ્યો.

પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિતના નેતાઓ જેલમાં ગયા, રાજદ્રોહ સહિતના કેસ નોંધાયા

આંદોલન દરમિયાન ઘણા યુવાનો પર રાજદ્રોહ સહિતના કેસ નોંધાયા, અને હાર્દિક પટેલ સહિત 20 જેટલા યુવાનોએ જેલમાં સમય વિતાવ્યો. કેટલાક યુવાનો શહીદ થયા, અને સમાજે ઘણું ગુમાવ્યું. 2025માં ગુજરાત સરકારે આંદોલન દરમિયાન નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચી લીધા હતા.

આનંદીબેન પટેલે મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું

આંદોલનની અસર ગુજરાતના રાજકારણ પર પણ જોવા મળી હતી. 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને ઘણુ નુકસાન થયું અને આંદોલનને કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.

કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાઇ ધારાસભ્ય બન્યા

મહત્ત્વપૂર્ણ છે કે 2015નું આ આંદોલન હાર્દિક પટેલને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું. 2019માં હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને 2020માં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા.જોકે, 2022માં કોંગ્રેસની ટીકા કર્યા બાદ તે ભાજપમાં સામેલ થઇ ગયા હતા. હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે અને પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો