સુરતમાં પરવાનગી વગર ધમધમતાં ભંગારના ગોડાઉન સામે લાલ આંખ, ફાયર સુવિધાના અભાવે કરાયું સીલ
રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં વહીવટી તંત્ર દ્વારા રાતો રાત સફાળા જાગીને કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત ચોથા દિવસ પાલ

રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં વહીવટી તંત્ર દ્વારા રાતો રાત સફાળા જાગીને કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત ચોથા દિવસ પાલિકા દ્વારા સિલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ ઈમારતોને સીલ કરવાની સાથે સાથે ફાયરબ્રિગડ સહિત પોલીસની ટીમ સંયુક્ત રીતે ભેગા મળીને પરમીશન વગર ધમધમતા ભંગારના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું.
300 કામદારો કામ કરતા હતા
સિંગણપોર ફૂલવાડી ખાતે આવેલા ટીપી 24 અંતર્ગત આવેલા ખાનગી પ્લોટમા ભંગારના ગોડાઉન પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં ભંગાર સામાનનું ગોડાઉન સામે આવ્યું હતું. ફાયર એનઓસી વગર આ ગોડાઉન ધમધમી રહ્યું હતું. ગોડાઉનમાં અંદાજે 300 જેટલા કામદારો કામ કરી રહ્યાં હતાં. તેમ છતાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી.
કાયદાનો થયો ભંગ
ભંગારના ગોડાઉન જીવતા બોમ્બ સમાન ધમધમી રહ્યું હોવા છતાં અત્યાર સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નહોતી. ત્યારે આગની ઘટના બને તો આખરે જવાબદારી કોની?, ફાયર વિભાગે આજદિન સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી તેમજ કોઈ પણ જાતના સેફટીના સાધનો જોવા મળ્યા ન હોવાથી નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. આટલા દિવસો સુધી આ વિસ્તારના અધિકારીને આ ગોડાઉન ધ્યાને ન આવ્યું કે કાર્યવાહી અત્યારે છે કેમ તેવા સવાલો ઉભા થયા છે.








