મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન અનેક સ્થળો પર સર્જાયા બોલાચાલીના દ્રશ્યો

ગુજરાતમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનનો દિવસ હતો. એવામાં ગુજરાતમાંથી અનેક સ્થળો પરથ

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન અનેક સ્થળો પર સર્જાયા બોલાચાલીના દ્રશ્યો

ગુજરાતમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનનો દિવસ હતો. એવામાં ગુજરાતમાંથી અનેક સ્થળો પરથી માથાકુટ કે બોલાચાલી થઈ હોય તેવી ઘટનાઓ સામે આવી હતી. સામાન્ય રીતે ચૂંટણીના સમય દરમિયાન મતદાન મથક પર બોલાચાલીના દ્રશ્યો ઘણી બધી વખત સામે આવતા હોય છે. એવામાં આજે ફરીથી ક્યાંક ઉમેદવાર તથા ઉમેદવારના સમર્થકની વારંવાર મતદાન મથક પર અવરજવાર કરવાને મામલે બોલાચાલી થઈ તો ક્યાંક રાજકીય પક્ષો વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

છોટાઉદેપુરમાં બસપા સમર્થક અને ભાજપ એજંટ વચ્ચે ઉગ્ર બોલાચાલી

નગરપાલિકાની ચૂંટણી દરમિયાન છોટાઉદેપુરમાં બસપા સમર્થક અને ભાજપના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાં વોર્ડ નંબર 2 એસ એફ હાઈસ્કુલના મતદાન મથકમાં ભાજપ અને બસપાના નેતા વચ્ચે ભારે તુતુમેંમેં થઈ હતી. બસપાના મહિલા સમર્થકે આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે ભાજપ સામ દંડ અને ભેદની નીતિ અપનાવીને ચૂંટણી લડી રહી છે.

ભાજપના કાર્યકારો દ્વ્રારા મહિલાને મતદાન મથકની બહાર નિકાળવા મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા. બસપાના મહિલા સમર્થકે કહ્યું, તારા બાપનું રાજ ચાલે છે. તો વળતા ભાજપના કાર્યકર બોલ્યા, મોંઢુ સંભાડીને બોલજે હું પણ તારા કરતા ખરાબ ભાષા બોલી શકું છું. સમગ્ર મામલે ભાજપ દ્વારા આક્ષેપ લગાવવમાં આવ્યા હતા કે બસપાના નેતા જેઓ કે વિસ્તારના મતદાર નથી તેમ છતાં તેઓ મતદાન મથકમાં ફરે છે. જેને લઇને ભાજપના એજંટ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી.

સુરતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે થઈ ઝપાઝપી

સુરતમાં કુંભારીયામાં ચૂંટણી દરમિયાન હોબાળો સર્જાયો હતો જેમાં કોંગ્રેસના ઉમેદવાર સાથે ભાજપ કાર્યકરોએ ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યું છે. ભાજપના કાર્યકરોએ દાદાગીરી કર્યાનો અન્ય રાજકીય પક્ષના સમર્થકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લામાં કુંભારીયામાં સુડા આવાસમાં આપ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે રકઝક જોવા મળી હતી. જો કે, પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

મહીસાગરમાં ઉમેદવાર વારંવાર બુથમાં જતા હોવાનો આક્ષેપ

મહીસાગરના લુણાવાડામાંથી પણ મતદાન મથક પર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં લુણાવાડાની બ્રાન્ચ શાળા નંબર -5 વોર્ડ નંબર 3ના મતદાન મથક પર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. જ્યાં ઉમેદવારો અને એજન્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. આખરે જોનલ અધિકારી બુથ પર પહોંચ્યા હતા.

બુથમાં ઉમેદવારો વારંવાર જવાને લઇ બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી ઉમેદવારોને વારંવાર મતદાન મથકમાં ન જવા દેવાને લઇ ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. તેમજ બુરખો પહેરીને આવતા મતદારો ની ઓળખ કરાવવાની રજુઆત પણ કરી હતી. જેથી આઇડી અને ફેસ ઓળખ કરાવવા જોનલ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું. આખરે પોલીસ અને અધિકારીઓ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

વલસાડના વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ધીંગાણું

વલસાડના વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ધીંગાણું સર્જાયું હતું. વલસાડના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોના કાર્યકર્તાઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. મતદાનને લઈને થયેલા ધીંગાણામાં 2 વ્યક્તિ ઘાયલ થયા હતા અને બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વલસાડ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો