'ભગવાન નાના અને નેતા મોટા થયા', સારંગપુરધામમાં રાજકીય બેઠકને લઇને વિવાદ
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બે દિવસીય બેઠક બોટાદના સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ મં

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બે દિવસીય બેઠક બોટાદના સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજરી આપી હતી.
મંદિરના પરિસરમાં રાજકીય બેઠકને મંજૂરી કેમ?
પ્રદેશની આ પ્રકારની કારોબારી બેઠક સમયાંતરે યોજાતી રહેતી હોય છે, એટલે એની કોઈ નવાઈ નથી, પણ આ વખતે બેઠકનું આયોજન સ્વામિનારાયણ મંદિરમાં થયું છે, એ અખરે એવી બાબત છે. મંદિરને નેતાઓનું મિલનસ્થળ બનાવીને સંપ્રદાયમાં સત્તાનો રંગ ભેળવવાની આ ચેષ્ઠા ઘણા ભક્તજનોને ગમી નહીં હોય. પ્રશ્ન એ થાય છે કે BAPSના સંચાલકોએ કયા કારણસર સ્વામિનારાયણ મંદિરને રાજકીય કારોબારી બેઠકનું સ્થળ બનાવવાની મંજૂરી આપી? રાજકીય નેતાઓને ના ન કહી શકવાની મજબૂરી નડી ગઈ હશે?
ભગવાનને પણ ન છોડ્યા, શણગારમાં ભાજપના કમળ ખીલવી દેવાયા
કાર્યક્રમના આયોજન દરમિયાન સંતોને એવો તો રાજકીય રંગ લાગ્યો કે એમને માટે નેતાઓ મોટા થઈ ગયા અને ઈશ્વર નાના..! હદ તો એ વાતની થઈ કે આ સમગ્ર રાજકીય ખેલ દરમિયાન વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજન મંદિરમાં ભગવાન જેવા ભગવાનને પણ બાકી નથી રખાયા. સાળંગપુર હનુમાનજીના શણગારમાંય ભાજપનાં કમળ ખીલવી દેવાયાં છે! ભાજપના સિમ્બોલથી હનુમાનજીનો શણગાર કરાયો છે!
ઈશ્વર નાના થયા, નેતાઓ મોટા થયા
ભાજપ નેતાઓને પોંખવામાં BAPS અને વડતાલધામના સંચાલકો અને સાધુઓએ અતિઉત્સાહ બતાવ્યો છે. ભક્તોની આવભગત કરવામાં ઊણો ઉતરતો સાધુગણ રાજનેતાઓને VIP સેવા આપવામાં જરાય પાછો નથી પડ્યો. મંદિરના કામ પડતા મૂકીને સૌ રાજકારણીઓને અછોઅછોવાનાં કરવામાં લાગી પડ્યા. ઈશ્વરને કોરાણે મૂકીને નેતાઓની સેવામાં જોતરાવાનું કારણ શું હોઈ શકે, જે હોય પરંતુ ભક્તિ ભગવાનની હોવી જોઈએ નહીં કે રાજકારણીઓની.
ભક્તિ ભગવાનની હોય, નેતાઓની નહીં
કોઈ પણ ધર્મ કે સંપ્રદાય હોય તેમનું કામ છે ભગવાનના મૂલ્યોના પ્રચાર-પ્રસાર કરવાનું નહીં કે રાજકીય વ્યક્તિઓનો પ્રચાર કરવાનો. પક્ષ કોઈ પણ હોય, સાધુ-સંતોએ ખરેખર એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમનો ધર્મ અને સંપ્રદાય કોઈ પણ રાજકીય વ્યક્તિના મહોતાજ ન બની જાય. આસ્થા પર રાજકારણનો ઢોળ ચઢાવતાં પહેલાં સંચાલકોએ મનોમંથન કરવાની જરૂર છે.આ બેઠકના આયોજન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો છે, એ શું સ્વામિનારાયણ સંસ્થાએ કર્યો છે?
BAPSને સદીના મહાસંત ગણાતા પ્રમુખ સ્વામીની ખોટ સાલી
પ્રમુખ સ્વામીની ખોટ BAPSને સાલી રહી છે. તેમણે શિક્ષાપત્રી અને સ્વામીનારાયણ ભગવાન સિવાય ક્યારેય કોઈને મહત્વ આપ્યું ન હતું. સદીના મહાસંત ગણાતા પ્રમુખ સ્વામી આજે હયાત હોત તો ચોક્કસપણે આવું બન્યું ન હોત.
એમની હાજરીમાં આ પ્રકારની રાજકીય સાંઠગાંઠની કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું, પણ હવે BAPSનું આંગણું જાણે કે રાજકીય અખાડો બની ગયું છે. અહીં કદાચ એ વાત ભૂલાઈ ગઈ છે કે સાધુના કપડાં અને કફનને ક્યારેય ખિસ્સું નથી હોતું. આ પ્રકારનું આયોજન BAPS માટે ઉત્સવ નહીં મંથનનો વિષય બનવો જોઈએ.








