મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ કોઈપણ સમાજની હોય, દીકરીઓની સુરક્ષા મારી એકલાની જવાબદારી: MLA વિનુ મોરડીયાનો હુંકાર

સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોના વધતા જતા પ્રભાવ સામે સ્થાનિક ધા

સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોના વધતા જતા પ્રભાવ સામે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડીયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સુરતમાં આયોજિત વાટલીયા પ્રજાપતિ સમાજના 68માં સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપતા તેમણે મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે મોટી બાંહેધરી આપી હતી.

"દીકરીઓની સુરક્ષા મારી એકલાની જવાબદારી"

વિનુ મોરડીયાએ જાહેર મંચ પરથી હુંકાર કરતા જણાવ્યું હતું કે, "કોઈપણ સમાજની દીકરી હોય, તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. જો કોઈ દીકરીની છેડતી કે તેને હેરાન કરવાનો પ્રયાસ કરશે, તો સામે ગમે તેટલી વગ ધરાવતો માણસ કેમ ન હોય, તેને 24 કલાકમાં જેર (કાબૂ) કરવાની જવાબદારી હું લઉં છું."

વગર FIR એ સજાની ચીમકી

ધારાસભ્યએ કાયદાકીય પ્રક્રિયાની રાહ જોયા વગર જ અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની વાત કરી છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, "કતારગામમાંથી અસામાજિક તત્વોની ગેંગોનો સફાયો કરવામાં આવશે. આવા તત્વોને હવે 'વગર FIR એ શિક્ષા' કરવામાં આવશે." આ નિવેદનથી તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારો સામે હવે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં.

પોતાના માણસોને પણ ચેતવણી

રાજકારણમાં અવારનવાર પોતાના કાર્યકરો કે મળતિયાઓને છાવરવાના આક્ષેપો થતા હોય છે, પરંતુ વિનુ મોરડીયાએ સ્પષ્ટતા કરી કે, "જો મારો કોઈ અંગત માણસ પણ ગુનો કરશે કે ખોટું કામ કરશે, તો હું તેને પણ નહીં છોડું."

જનતામાં મિશ્ર પ્રતિસાદ

ધારાસભ્યના આ આક્રમક મિજાજને કારણે કતારગામના રહીશો અને ખાસ કરીને મહિલાઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. સમૂહ લગ્નમાં હાજર રહેલા લોકોએ તેમના આ નિર્ણયને વધાવી લીધો હતો. જોકે, 'વગર FIR એ શિક્ષા' વાળા નિવેદને કાયદાકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે.

આ સમાચાર શેર કરો