VIDEO: ઈડરિયો ગઢ આગની લપેટમાં: વન વિભાગની બેદરકારીથી પ્રકૃતિનો સોથ વળ્યો, વન્યજીવો પર જોખમ
VIDEO: સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક અને પ્રકૃતિથી ભરપૂર એવા ઈડરના ડુંગર પર આજે બપોરના સમયથી ભીષણ આગ ફાટી નીકળી છે. રહેણાંક વિસ્તારની તદ્દન નજીક આવેલા આ ડુંગર પર લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પ્રકૃતિ અને વન્યજીવો પર મોટું સંકટ
ઈડરનો ડુંગર માત્ર પથ્થરો નથી, પણ ત્યાં અનેક દુર્લભ વનસ્પતિઓ અને વન્ય પ્રાણીઓનો વસવાટ છે. આ ડુંગર પર દીપડા, વરુ અને અસંખ્ય પશુ-પક્ષીઓ વસવાટ કરે છે. આગ એટલી ભીષણ છે કે ૫ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે, જેના કારણે જીવદયા પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વનસ્પતિને મોટા પાયે નુકસાન થયું છે અને મૂંગા પશુ-પક્ષીઓના જીવ પર જોખમ ઊભું થયું છે.
તંત્રની બેદરકારી અને કુંભકર્ણી નિદ્રા
સ્થાનિકોનો આક્ષેપ છે કે બપોરના સમયથી આગ લાગી હોવા છતાં વન વિભાગના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં સોઈ રહ્યા છે. ફોરેસ્ટ બાબુઓની ગંભીર બેદરકારીને કારણે જ સામાન્ય આગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જો સમયસર પગલાં લેવામાં આવ્યા હોત, તો આટલું મોટું નુકસાન ટાળી શકાયું હોત.
ફાયર ફાઈટરોની જહેમત અને વાહનચાલકોની મુસીબત
ઈડર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. જોકે, પહાડી વિસ્તાર હોવાથી આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાઈવે રોડ પર ધુમાડાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેનાથી વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. સોશિયલ મીડિયા પર આ ભીષણ આગના અનેક વીડિયો વાયરલ થયા છે, જે તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે.
આજના સમયમાં જ્યારે વન સંરક્ષણ માટે અદ્યતન ટેક્નોલૉજી અને ડ્રોન ઉપલબ્ધ છે, ત્યારે ઈડરના ડુંગર પર લાગેલી આ આગને સમયસર ન ઓલાવી શકવી તે વહીવટી તંત્ર માટે શરમજનક બાબત છે. જંગલની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા ખૂબ જ મહત્ત્વના છે.

