Himatnagar news: જાણીતા જ્વેલર્સ શોરુમના કર્મચારીએ સગીરાને ફસાવી માંગ્યા 5 લાખ, 3ની પોલીસે કરી ધરપકડ

સાબરકાંઠાના હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિંમતનગરના એક જાણીતા જ્વેલર્સ શોરુમના કર્મચારીએ ગ્રાહક સગીરાને ફસાવીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. સમગ્ર મામલે પરિવારે હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ત્રણ યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો
મળતી માહિતી મુજબ, હિંમતનગરના જાણીતા જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ ઘરેણાં ખરીદી કરવા આવેલા પરિવારની સગીર દીકરી પાસે ફીડબેક ફોર્મ ભરાવ્યું હતું. આમ, ફીડબેક ફોર્મમાં લખેલા મોબાઈલ નંબર અને ઈમેઈલ, સરનામું મેળવી આરોપીએ સગીરાને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
આરોપીના નામ
- મોહમ્મદ શાહિદ સરદાર મોહમ્મદ શેખ, (રહે.સરાડા, ઉદયપુર, રાજસ્થાન)
- મોહમ્મદ શોહેલ મોહમ્મદ સલીમ મકરાણી, (રહે. મદની સોસાયટી, આરટીઓ સર્કલ, હિંમતનગર)
- મનિષ ગઢવી, (રહે.આણંદ)
જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ સગીરાને ફસાવી 5 લાખ માંગ્યા
આ પછી જ્વેલર્સના કર્મચારી સગીરાને જાળમાં ફસાવાનો પ્રયાસ કરીને ધનીક પરિવાર પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઉપરાંત, આરોપીએ ફોટા એડિટ કરીને અને વાઈરલ કરી સગીરાને બદનામ કરવાની ધમકીઓ આપી પૈસા માંગ્યા હોવાનું સામે આવ્યું છે.
ત્રણ આરોપીની ધરપકડ
સમગ્ર મામલે સગીરાએ પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે છટકું ગોઠવીને આરટીઓ બાયપાસ રોડ પરથી આરોપીને ઝડપી પાડ્યા હતા. લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરી ખંડણી માંગતા યુવકોને ઝડપી લેવાયા હતા.

