Sabarkantha/ ઓનલાઈન ઠગાઈનો બનાવ: નિવૃત્ત કર્મચારી સાથે રૂ. 23 લાખથી વધુની છેતરપિંડી
સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઈન ઠગાઈનો વધુ એક બનાવ સામે આવ્યો છે

સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઈન ઠગાઈનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કમ્બોસણી ગામના દલપતસિંહ ચૌહાણ પાસેથી ઠગબાજ ટોળકીએ કુલ રૂ. 23 લાખ 18 હજારથી વધુની રકમ ઠગાઈ દ્વારા મેળવી લીધી હતી.
જાણકારી અનુસાર, નિવૃત્ત કર્મચારીએ વર્ષ 2011થી 2013 દરમિયાન રિલાયન્સ, શ્રીરામ અને SBI લાઇફ ઈન્સ્યોરન્સ કંપનીઓમાં પોલિસી લીધી હતી. બાદમાં પોલિસી બંધ થઈ જતા તેમણે નાણાં પરત મેળવવા માટે ગુગલ પરથી મળેલા એક ફોન નંબર પર સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ઠગબાજોએ પોતાને IRDAI (દિલ્હી)ના મેનેજર ‘સંજીવ પ્રકાશ મિશ્રા’ તરીકે ઓળખાવી વિશ્વાસમાં લીધો હતો.
ઠગબાજ ટોળકીએ પોલિસીના નાણા પરત અપાવવાના બહાને વિવિધ કારણોસર પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને ધીમે ધીમે મોટી રકમની છેતરપિંડી આચરી હતી. છેતરપિંડીની જાણ થતાં પીડિત નિવૃત્ત કર્મચારીએ વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વડાલી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ઠગબાજ ટોળકીને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે લોકોને અજાણ્યા નંબર અથવા ઓનલાઈન મળતી માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સાવચેત રહેવાની અપીલ પણ કરી છે.






