મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: 22.90 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 6805 કરોડની રકમ જમા કરાઇ, મંત્રી મોઢવાડીયાએ સહાયના આંકડા કર્યા જાહેર

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્

Gandhinagar news: 22.90 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 6805 કરોડની રકમ જમા કરાઇ, મંત્રી મોઢવાડીયાએ સહાયના આંકડા કર્યા જાહેર

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્વયે જાહેર કરાયેલા આર્થિક પેકેજ અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા અંગે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વરસેલા કમોસમી અસાધારણ વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું હતું. જે અંતર્ગત રૂ. ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે.

 ૨૭ લાખથી વધુ અરજીઓ મંજૂર કરાઇ 

આ કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના ૩૩ લાખ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં ૨૭ લાખથી વધુ ખેડૂતોને સહાય પેટેની અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને છેલ્લા ૧૦ દિવસમાં કુલ ૨૨.૯૦ લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં રૂ. ૬,૮૦૫ કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે. જ્યારે બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાવવામાં આવી રહી છે, જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. 

તેમેણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ સહાય અગાઉ રૂ. ૧૧ હજાર હતી તે વધારીને રૂ. ૨૨ હજાર અને બે હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ રૂ. ૪૪ હજાર આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે. જેનો રાજ્યના ૧૮ હજાર ગામોમાંથી ૧૭ હજાર ગામોના ખેડૂતોને લાભ મળ્યો છે.

ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી 

મંત્રી મોઢવાડીયાએ વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે રૂ. ૧૫ હજાર કરોડની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું નક્કી કર્યું છે. હાલમાં ગુજરાતમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ પાકની ખરીદી માટે ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ગત વર્ષે આ ખરીદી માટે માત્ર ચાર લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાં આ વર્ષે અઢી ગણો વધારો થયો છે. રાજ્યમાં મગફળીની ખરીદી માટે ૧૧૪ તાલુકામાં ૩૧૭ જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો