Rajkot/નિવૃત્ત શિક્ષક દંપતીના રૂ. 1.14 કરોડ પડાવનાર 'ડિજિટલ અરેસ્ટ' ગેંગનો માસ્ટરમાઇન્ડ યશ બેંકનો કર્મચારી નીકળ્યો
રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમની એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં રાજકોટ ક્રાઈમ

રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમની એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. 76 વર્ષીય નિવૃત્ત શિક્ષક કુરબાનભાઈ બદામીને 'ડિજિટલ અરેસ્ટ' કરી તેમની પાસેથી રૂ. 1.14 કરોડની મસમોટી રકમ પડાવનાર ટોળકીના મુખ્ય સૂત્રધારોને હરિયાણાથી ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસમાં એક ખાનગી બેંકના સેલ્સ ઓફિસરની સંડોવણી બહાર આવતા ચકચાર મચી ગઈ છે.
શું હતો સમગ્ર મામલો?
ભોગ બનનાર 76 વર્ષીય નિવૃત્ત શિક્ષક કુરબાનભાઈને સાયબર ઠગોએ ફોન કરીને ડરાવ્યા હતા કે, તેમના ફોનનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઇન ગેમિંગ અને સાયબર આતંકવાદ જેવી ગંભીર પ્રવૃત્તિઓમાં થયો છે. ધરપકડનો ડર બતાવી ઠગોએ દંપતીને કલાકો સુધી 'ડિજિટલ અરેસ્ટ' રાખ્યા હતા અને ડરાવી-ધમકાવીને કુલ રૂ. 1.14 કરોડ પડાવી લીધા હતા.
બેંક ઓફિસર જ નીકળ્યો મુખ્ય આરોપી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આ મસમોટા ફ્રોડના તાર હરિયાણા સુધી પહોંચ્યા હતા. પોલીસે ત્યાં દરોડો પાડીને બે શખ્સોની ધરપકડ કરી છે. જેમાં 1. શુભમ રઘુવીરસિંધ: યશ બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. 2. શંકર રાજપૂત: જેની સાથે મળીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે, બેંક કર્મી શુભમે શંકર રાજપૂતના નામે ખોટું એકાઉન્ટ ખોલ્યું હતું અને ફ્રોડના રૂ. 1 કરોડ આ જ ખાતામાં મેળવ્યા હતા. બેંકમાં કામ કરતા હોવાને કારણે આરોપીઓ જાણતા હતા કે કેવી રીતે સિસ્ટમનો ઉપયોગ કરીને નાણાં સગેવગે કરી શકાય.
અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.બી. બસિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ આખા રેકેટમાં પોલીસ અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. સાયબર આતંકવાદ અને પોર્નોગ્રાફીના નામે સીનિયર સિટીઝનોને નિશાન બનાવતી આ ગેંગના અન્ય તાર પણ તપાસવામાં આવી રહ્યા છે.








