VIDEO:અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં નદી નાળા છલકાયા, લિલિયામાં ST બસ પાણીમાં ફસાઈ
અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘરાજાનું
અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલા 66 મી.મી., સાવરકુંડલા 58 મી.મી., ખાંભા 37 મી.મી., લિલિયા 35 મી.મી., જાફરાબાદ 31 મી.મી., બગસરા 20 મી.મી., અમરેલી 17 મી.મી. વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
એસ.ટી. બસ પાણીમાં ફસાઇ
અમરેલી જિલ્લા લિલિયામાં ધોધમાર વરસાદના ખાબક્યો છે. ત્યારે લિલિયાના ભોરીગડા ગામે એસ.ટી બસ પાણીમાં ફસાઇ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો. આ ડાયવર્ઝનમાં પાણી ભરતાં બસ પાણીમાં ફસાઇ ગઇ હતી. જોકે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ધીમીધારે વરસાદથી ખેડૂતોમાં ખુશી અને ખેડૂતો વાવણી લાયક ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ક્યાં ખાબક્યો વરસાદ
ધારી શહેર અને ધારીના ઝર, મોરજર, ખીચા, વીરપુર, દૂધાળા, પાતળા, બગસરાના મોટા મુંજયાસર, નાના મુંજયાસર, માનેકવાડા, હળીયાદ, શાપર, સુડાવડ અને ખાંભાના ડાઢીયાળી, દિવાના સરાકડીયા, કોદીયા, નાના કણકોટ નાના રાજકોટમાં વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના ઘોબા પીપરડી ફિફાદ ભમોદ્રા સહીતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
અમરેલી જિલ્લાની સ્થાનિક નદીઓમાં પૂર
ભારે વરસાદના લીધે રાજુલાના બર્બટાણા ગામની ઘિયાલ નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. નદીના મસમસતા પ્રવાહના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. સાવરકુંડલા શહેરમાં ત્રણથી વધુ વરસાદ નોંધાયો છે. સાવરકુંડની આસપાસ તમામ ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે જ્યારે ચેકડેમો પણ છલકાયા છે. સાવરકુંડલાની નાવલી નદી, ઘોબા ગામ નજીક ફલકું નદી, મેરામણ નદી અને ગાધકડા, ડુંગર ગામની સ્થાનિક નદીમાં ધોડાપૂર આવ્યું છે.
રાજુલાના વાવેરામાં મૂશળધાર વરસાદ
ઘાણો નદીમાં ઘોડાપુર આવતા ગામામાં આવવા જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે બે લોકો ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલમાં સ્થાનિક લોકો દ્રારા ફસાયેલા લોકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સાવરકુંડલા નજીક જાબાળ ગામે સુરજ વળી નદી બે કાંઠે વહેવા લાગી છે. સુરજ વડી નદી કાંઠે આવેલું હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.
ખાંભા ગીર પંથકમાં વરસાદી માહોલ
ખાંભા ગીર ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તાર ડાઢીયાળી, દિવાના સરાકડીયા, કોદીયા સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. ખાંભા શહેરમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ગીર પંથકમાં સારા વરસાદ અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.







