VIDEO: Bilimoraના મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને રાઈડ નીચે પટકાઈ, લોકોમાં મચી ભાગદોડ
નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર નજીક પવિત્ર શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વરાત્રિ
નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર નજીક પવિત્ર શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વરાત્રિએ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. રવિવારની સાંજ હોવાથી લોકો અલગ અલગ રાઈડનો આનંદ માણી રહ્યાં હતાં. એ દરમિયાન 50 ફૂટ ઊચા ટાવર રાઈડ અચાનક તૂટી પડતાં રાઈડમાં સવાર અંદાજે 10માંથી 5 ગંભીર રીતે ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ દુર્ઘટનાને પગલે દોડતા થયેલા તંત્ર દ્વારા અન્ય રાઈડ પણ બંધ કરાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.
રાઈડ સંચાલકને પણ પહોંચી ઈજા
આ દુર્ઘટનામાં રાઇડ સંચાલક અને એક મહિલાના ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ પછીથી અન્ય ત્રણને પણ ઈજાઓ થયાની માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.મેળાની પરવાનગી લેનાર શિવમ એજન્સીનું નામ સામે આવ્યું છે. પ્રથમ વખત બીલીમોરા મેળામાં અલગ-અલગ સાત રાઇડની પરવાનગી મેળવી હતી. શિવમ એજન્સીનો પ્રોપરાઇટર મૂળ સુરેન્દ્રનગરના વિરલ પીઠવા છે.
તપાસ માટે કમિટીની રચના
નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેકનીકલ કમિટીની રચના કરવામાં આવી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા FSLની ટીમને બોલાવવામાં આવી છે.અકસ્માતની ઘટના બનતા સોમનાથ મંદિર પરિસરની તમામ જોખમી રાઇડ સ્થગિત કરવામાં આવી છે.સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર મેદાન ભાડે આપ્યું હોવાની વાત કહી હાથ ઊંચા કર્યા છે.
કેબલ છટક્તા દુર્ઘટના સર્જાઈ
આ અંગે મેળામાં રાઇડ્સનો પરવાનો મેળવનાર વિરલ પીઠવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ઘટના અંગે મને જાણ થઈ છે, હું નવસારી આવવા માટે સુરેન્દ્રનગરથી નીકળું છું. આ ઘટનામાં કેબલ તુટ્યો નથી, પરંતુ છટકી ગયો છે અને તેના કારણે તુટ્યો હોવાની સંભાવના છે. પ્રથમ વખત મારી કારકિર્દીમાં મેળા દરમિયાન આવી ઘટના બની છે, આ અંગે હું તપાસ કરાવું છું.
સોમનાથ મંદિર ટ્રસ્ટે હાથ ઉંચા કર્યા
સોમનાથ મંદિર ટ્રસ્ટે આ મામલે સ્પષ્ટતા કરી છે કે તેમણે માત્ર મેદાન ભાડે આપ્યું હતું. રાઈડની ટેકનિકલ ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત તંત્રની હતી. આમ, મંદિર ટ્રસ્ટે અકસ્માત મામલે પોતાની કોઈ જવાબદારી નથી એવું સ્પષ્ટ કર્યું છે.
ઈજાગ્રસ્તોના નામ
કમરમાં વધુ માર વાગતાં જશ રાજીવ ટંડેલ (ઉં.વ. 14),
દીર્ઘ હેમંત ટંડેલ (ઉં.વ. 14)
રોશની વિકાસ પટેલ (ઉં.વ. 30)
દિશા રાકેશ પટેલ (ઉં.વ. 21)
રાઈડ ઓપરેટર બકીલને કમર તેમજ માથામાં પણ ઇજા
સુરક્ષાના નિયમોના પાલન પર અનેક સવાલ
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મેળામાં ટાવર રાઈડ તૂટી પડતાં મેળા અને એમાં આવેલી રાઇડ્સની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે મેળાની મંજૂરી જિલ્લા કલેક્ટર કચેરીના મનોરંજન વિભાગમાંથી લેવાની હોય છે, જેમાં પણ રાજ્ય સરકારની SOP પ્રમાણે નિયમોનું પાલન થયું છે કેમ? જેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. ત્યારે નિયમોનું પાલન થયું કે રાઇડ્સની યોગ્ય ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવી કે પછી નિયમ નેવે મૂકીને રાઇડ ચાલતી હતી એ તમામ મુદ્દે તપાસ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવે એવી લાગણી પ્રવર્તી રહી છે. બીલીમોરા પોલીસે હાલ ઘાયલોનાં નિવેદનો લઈ અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મિત્રો સાથે મેળામાં ગયેલા
ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકોના પિતા રાજીવ ટંડેલ જણાવે છે, મારો પુત્ર અને તેના મિત્રો મેળામાં ગયા હતા અને રાઈડમાં બેઠા હતા. એ બાદ બીજી રાઇડમાં ગયા ત્યારે ફરતાં ફરતાં રાઈડ અડધે આવી અને એમાં અવાજ આવ્યો અને પછી એ રાઈડ સીધી નીચે આવી ગઇ. એના કારણે મારા પુત્ર સહિત કેટલાકને બીજાની ઇજા થઈ છે, હાલમાં સારવાર માટે દવાખાનામાં લઈને આવ્યા છીએ, વધારે ઈજા નથી પણ છતાં તપાસ કરાવી લીધી છે. બે-ત્રણ દિવસ આરામ કરવો પડશે એવું ડોક્ટરે કીધું છે, આ ઘટના અકસ્માતે થઈ હોય એવું મારું માનવું છે.







