સુરતમા શિવરાત્રિએ ઉભી કરાશે મહાકુંભની પ્રતિકૃતિ, દર્શનાર્થીઓ પર કરાશે સંગમના પવિત્ર જળનો છંટકાવ
શિવરાત્રિની ઉજવણીને લઈને અલગ અલગ શિવાલયોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે 144 વર્ષ બાદ યોજાયેલા કુંભમેળાને લઈને દેશભરમાં

શિવરાત્રિની ઉજવણીને લઈને અલગ અલગ શિવાલયોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે 144 વર્ષ બાદ યોજાયેલા કુંભમેળાને લઈને દેશભરમાં જે રીતનો માહોલ છે. તેને લઈને સુરતમાં ટેનિસ કલબ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ટેનિસ કલબમાં બે દિવસ સુધી કુંભમેળાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવશે. જેમાં ત્રિવેણી સંગમથી લાવવામાં આવેલા પવિત્ર જળનો ભાવિકો-દર્શનાર્થીઓ પર છંટકાવ કરવામાં આવશે.
શિવભક્તો માટે વિશેષ આયોજન
અઠવાલાઇન્સ ખાતેના ટેનિસ ક્લબ દ્વારા મહાકુંભની પ્રતિકૃતિ ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તારીખ 25 અને 26 ફેબ્રુઆરીએ શિવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ ખાતેના મહાકુંભ જેવું આયોજન ટેનિસ ક્લબ ખાતે કરવામાં આવી રહ્યું છે. સાંજે ચાર વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી અહીં અલગ અલગ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે તેવી શક્યતા છે. કાર્યક્રમમાં સુરત શહેરના સંતો, નેતાઓ તેમજ જાણીતા વ્યક્તિઓ હાજર રહેશે, શિવરાત્રિ હોવાને કારણે શિવભક્તો આયોજનનો ખાસ લાભ લઇ શકશે.
અઘોરી નૃત્યની સાથે ભસ્મ આરતીનું આયોજન
ટેનિસ ક્લબના સેક્રેટરી મયંક દેસાઈએ કહ્યું કે, બે દિવસ દરમિયાન ધી સુરત ટેનીસ ક્લબ ખાતે મહાકુંભનો અનુભવ થાય તેવું ભવ્ય આયોજન અમારા ક્લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં છ ફુટનું શિવલિંગ તથા આઠ ફૂટ ઊંચી નંદીની પ્રતિકૃતિ બનાવાશે. શિવ સ્તૂતિ, શિવ મહિમા અને શિવપુરાણના ભજનો થશે, ઉજ્જૈનના જાણીતા કલાકારો દ્વારા ભસ્મ આરતીનું આયોજન થશે, અઘોરી નૃત્યનું આયોજન અને શંખનાદ કરવામાં આવશે. કૈલાશ માનસરોવરની પણ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવનાર છે. જે લોકો મહાકુંભમાં પ્રયાગરાજ ખાતે જઈને ગંગા સ્નાન કરી શક્યા નથી તેમના માટે ખાસ 500 લીટર ગંગાજળ ત્રિવેણી સંગમમાંથી મંગાવવામાં આવ્યું છે. અહીં દર્શન કરવા આવનાર તમામ સુરતીઓ ઉપર આ ગંગાજળનો છંટકાવ કરવામાં આવશે.








