ચિલોડા શામળાજી નેશનલ હાઇવેના નવીનીકરણનું કામ રામભરોસે, 6 વર્ષથી ચાલતું કામ પૂરું થતું જ નથી
ચિલોડા શામળાજી નેશનલ હાઇવે નંબર 8 ના નવીનીકરણની કામગીરી 6 વર્ષથી ચ

ચિલોડા શામળાજી નેશનલ હાઇવે નંબર 8 ના નવીનીકરણની કામગીરી 6 વર્ષથી ચાલતી હોવા છતાં હજુ પૂર્ણ થઇ નથી, ત્યારે જે રોડના હજી ઉદ્ઘાટન નથી થયા તે રોડ બિસ્માર બની જતા રોજેરોજ અકસ્માત સર્જી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર આઠના નવીનીકરણનું કામ છેલ્લા છ વર્ષથી ચાલી રહી છે, જોકે કદાચ દરેક વખતે નવો રેકોર્ડ બનાવવા માગતી કેન્દ્ર સરકાર આ રોડ બનાવવામાં પણ જાણે વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માંગે છે, જેમાં 6 - 6 વર્ષથી કામગીરી શરૂ થઈ હોવા છતાં હજુ કામ પૂર્ણ નથી થયું. નવાઈની વાત તો એ છે કે જે રોડ અને બ્રિજના હજુ ઉદ્ઘાટન નથી થયા તે રોડ અને બ્રિજ બિસ્માર થઈ ગયા છે, અકસ્માતો સર્જી રહ્યા છે અને મેન્ટેનન્સ માગી રહ્યા છે ત્યારે ગુણવત્તાની વાતો કરતી સરકારે આ રોડમાં કેવી ગુણવત્તાવાળું મટેરીયલ વપરાયું હશે તેની તપાસ ગુણવત્તા ધરાવતા એન્જિનિયરો પાસે કરવાની જરૂર છે.
હિંમતનગરથી પ્રાંતિજ વચ્ચે રોડ એટલો બિસ્માર થઈ ગયો છે અને તે પણ ઓવરબ્રિજ ઉપર કે આ વાતથી અજાણ રાજસ્થાન અને બીજા રાજ્યમાંથી આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. એકદમ ખાડા આવી જતા તેઓ બ્રેક મારે છે અને તરત જ પાછળ આવતી ગાડીઓ સાથે અકસ્માત સર્જાય છે. રોજેરોજ આ ઘટનાઓ સર્જાઈ રહી છે આમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી નથી હલતું કે નથી સાબરકાંઠા જિલ્લાના જવાબદાર ભાજપના નેતાઓ અને પ્રતિનિધિઓ આ રોડ મામલે કંઈક ઉખાડી શકતા.
અફઝલ સબુગરે (એડવોકેટ) જણાવ્યું હતું કે ચિલોડાથી હિંમતનગર વચ્ચે ટોલટેક્સ જે ઉઘરાવાઈ રહ્યો છે તે સદંતર ખોટી રીતે ઉઘરાવાઈ રહ્યો છે. જ્યાં સુધી તેઓ રોડની સારી સુવિધાના આપી શકે ત્યાં સુધી તેઓ ટોલટેક્સ ના ઉઘરાવી શકે તેવું કાયદામાં લખેલું છે. હિંમતનગરના એડવોકેટ અફઝલ સાબગરે જણાવ્યું હતું કે, તેઓ થોડા સમય પહેલા જ આ રીતે ટોલટેક્સ સત્તાવાળાઓ પાસેથી ટોલટેક્સ કાયદાકીય રીતે પરત મેળવ્યો હતો, ત્યારે હાલમાં જે રોડ બીમાર થઈ ગયો છે તે બાબતે અને મોતીપુરા વિસ્તારમાં જે બ્રિજનું કામ બંધ પડ્યું છે તે બાબતે તેઓ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરવાના છે.
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો આ નેશનલ હાઇવે નંબર આઠે સાબરકાંઠા જિલ્લાના જ નહીં પરંતુ અહીંથી પસાર થતાં દિલ્હી સુધીના લોકોને પરેશાન કરી મૂક્યા છે.








